Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સરકારી ગ્રાન્ટ વિના સ્થાનિકોએ આધુનિક સુવિધા ઊભી કરી

કચ્છનું આત્મનિર્ભર ગામ : પ્રદૂષણની સમસ્યા ઓછી કરવા માટે વિભાગની મદદથી દેશી વૃક્ષના લગભગ ૨૫૦૦ છોડ લગાવવામાં આવ્યા

રાજકોટ,તા.૯ : કચ્છના અંજાર શહેરથી આશરે ૧૮ કિમી દૂર આવેલું એક નાનું ગામ દર્શાવે છે કે, કરવેરાની આવકનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેવી રીતે સર્વાંગી વિકાસ મેળવી શકાય છે. ભીમાસર ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારમાં જોવા મળે છે. વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપે ગામને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું હતું, જ્યારે ૨૦૦૪માં તેનું પુનર્વસન કરવામાં આવ્યું ત્યારે આ ગામના લોકોએ તેને એક મોડલ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વર્તમાનમાં ગામમાં પહોળા રસ્તા છે, રસ્તાની બંને બાજુ લીલા વૃક્ષો છે. આ સિવાય છ કોમ્યુનિટી સેન્ટર, સીસીટીવી કેમેરા, ગટર લાઈન પણ છે. એક રીતે ગામ 'આત્મનિર્ભર' છે કારણે કે સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સરકારી ગ્રાન્ટની નિર્ભરતા વગર બનાવવામાં આવી હતી.

ગામમાં ઉથલપાથલ મચાવનારા ભૂકંપ બાદ આ પંચાયતની આવકનો માર્ગ મોકળો થયો હતો. કેન્દ્ર સરકારની કર રાહત યોજના હેઠળ ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલની રિફાઈનરીઓ આવી. ગ્રામ પંચાયત આ રિફાઈનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે ૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આસપાસ ઉદ્યોગોની સ્થાપના થવાની ગામને પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો.

ગયા અઠવાડિયે પ્રદૂષણની સમસ્યા ઓછી કરવા માટે વિભાગની મદદથી દેશી વૃક્ષના લગભગ ૨૫૦૦ છોડ લગાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોનું વાવેતર એવી રીતે કરવામાં આવ્યું કે, જ્યારે તે ઉગે ત્યારે છાપરા જેવું બની જાય છે. એક ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા પર સ્થાપિત કરવામાં આવી છે જે સવારે ૭ વાગ્યે પાણી આપવાનું શરુ કરે છે અને ૯ વાગ્યે બંધ થાય છે. ગામના સરપંચ દિનેશ ડુંગરિયાએ જણાવ્યું હતું કે, 'અમારા ગામમાં છ કોમ્યુનિટી હોલ છે. ૨૦૦૪થી અત્યારસુધીમાં અમે આશરે ૧૦ હજાર વૃક્ષો વાવ્યા છે. ગામમાં ૪૦૦ વર્ષ જૂનું તળાવ છે, જેને અમે ઊંડું કર્યું છે અને તેનો ઉપયોગ આ વૃક્ષોને પાણી આપવા માટે થાય છે'. ગામને નર્મદાનું પાણી મળી રહ્યું છે જેનો ઉપયોગ પીવામાં તેમજ ઘરકામમાં થાય છે.

(8:39 pm IST)