Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જામનગરમાં અટકાયત સમયે નીચે પટકાતા પ્રવીણ મુસડીયાને ઈજા

જિલ્લા કોગ્રેસ દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન સમયે કોગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીઃ કોગ્રેસના કાલાવાડના ધારાસભ્યને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા

તસ્વીરમાં જામનગર ખાતે કોîગ્રેસના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા તથા આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ :. જામનગરમાં આજે કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સમયે કોગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન કોગ્રેસના કાલાવાડ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા નીચે પટકાતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે કોગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવીને જુદા જુદા મુદ્દે વિરોધ વ્યકત કરવા માટે કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન પોલીસ આવી પહોચતા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી. જેમાં કોગ્રેસના કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયાની પણ અટકાયત કરી હતી. આ દરમિયાન તે નીચે પટકાતા માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિરોધ પ્રદર્શન અંગે સીટી-બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(૨-૧૬)

(1:46 pm IST)