Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સ્વ બચાવ માટે પિસ્તોલ રાખનાર ઝડપાઇ ગયો

જુનાગઢ પોલીસે કરેલી કાર્યવાહી

જૂનાગઢ,તા.૯ : ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફના હે.કો. ભગવણજી, ચેતનસિંહ, પો.કો. આઝાદસિંહ, ઇન્દ્રજીતસિંહ, કરણસિંહ, દિલીપભાઈ, સહિતની પોલીસ ટીમ નાઈટ રાઉન્ડમાં વાહન ચેકીંગમાં હતા દરમિયાન મળેલ બાતમી આધારે ભૂતનાથ ફાટક પાસે મેદરડા જવાના રોડ ઉપર રીક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી કરીમ એહમદભાઈ સીડા જાતે ગામેતી ઉવ. ૨૬ રહે. અલ્હરમ એપાર્ટમેન્ટ, બ્લોક ન. ૪૦૩, સુખનાથ ચોક, જૂનાગઢને હાથ બનાવટની પીસ્ટલ નંગ ૦૧ જીવતા કારટીસ નંગ ૦૨ કિંમત રૂ. ૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરી, સરકાર તરફે પો.કો. ઇન્દ્રજીતસિંહ ઝાલાએ ફરિયાદી બની, હથિયાર ધારા મુજબ ગુન્હો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફના પો.કો. આઝાદસિંહ, ઇન્દ્રજીતસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી કરીમ એહમદભાઈ સીડાની સદ્યન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતાના કુટુંબમાં ઝઘડો ચાલતો હોય, ખૂનની કોશિશ અને ખૂન ના ગુન્હાઓ દાખલ થયેલ હોઈ, પોતે આ હથિયાર પીસ્ટલ સ્વબચાવ માટે રાખેલું હતું અને આ હથિયાર જમાલવાડીમાં રહેતા સમીર ઉર્ફે કયામત નામના વ્યકિત પાસેથી લીધેલાની કબૂલાત કરવામાં આવેલ છે. સમીર ઉર્ફે કાયામતના વિરૂદ્ઘમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીર બાળાના અપહરણના ગુન્હામાં ફરાર છે.

આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ ખાતે ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનના રાજયકક્ષાના કાર્યક્રમના અનુસંધાને ગુન્હેગારોને અંકુશમાં લેવા કાર્યવાહી કરવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ ઝુંબેશના ભાગરૂપે એક આરોપીને હથિયાર પીસ્ટલ અને કારટીસ સાથે પકડી પાડી, આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:42 pm IST)