Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જૂનાગઢ પોલીસ દ્વારા સઘન ચેંકીગ : પાંચ દિ'માં જાહેરનામા ભંગના ૪૫ કેસ : માસ્ક વિનાના ૩૫૦ દંડાયા

જૂનાગઢ,તા. ૯ : આગામી ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમા ઉજવાનાર હોઈ,  મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, આગોતરું આયોજન કરી, કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ.રાઠોડ, સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી, વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. છેલ્લા પાંચેક દિવસમાં વાહન ચેકીંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાડી ફરતા, નમ્બર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વગરના વાહનો, ટીન એજરો દ્વારા કરવામાં આવતા ડ્રાઇવિંગ, વિગેરે ચેકીંગ હાથ ધરી, કુલ આશરે ૧૫૦ વાહનચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવેલ હતી. વાહન ચેકીંગની આ કાર્યવાહી દરમિયાન આશરે ૬૦ વાહનો ડિટેઇન કરવામાં આવેલ હતા. ખાસ ઝુંબેશ અને વાહન ચેકીંગ દરમિયાન છેલ્લા પાંચેક દિવસમાં કોરોના ગાઈડ લાઇન્સનું ઉલ્લંદ્યન કરતા કુલ ૪૫ જેટલા આરોપીઓ વિરુદ્ઘ જાહેરનામા ભંગના કેસો કરી, આશરે ૩૫૦ જેટલા વ્યકિતઓને માસ્ક પહેર્યા વગર ફરતા પકડી પાડી, કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- નો દંડ પણ ફટકારવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ પી ને વાહન ચલાવતા આરોપીઓને પણ પકડી પાડી, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરોને ચેક કરી, ગુન્હાઓ પણ દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત, નાઈટ રાઉન્ડ દરમિયાન પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે.

સ્વાતંત્ર્ય દિનની પરેડ અને વીઆઇપી મુવમેન્ટને ધ્યાને લઇ, જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી તેમજ સઘન ચેકીંગની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:40 pm IST)