Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટંકારામાં ઉતરપ્રદેશના બે આર્યવીરો દ્વારા દિવાલો ઉપર વૈદિક મંત્રોનું ચિત્રણ

ટંકારા,તા. ૯ : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ ભુમી ટંકારામાં ઉતર પ્રદેશના બે આર્યવીરોએ શેરી – ગલીની દિવાલો ઉપર વૈદિક મંત્રો ઋચાઓ અને અર્થથી આર્યનગરીમાં અનેરો નજારો સર્જાયો છે. જીવનનું લક્ષ્ય, સત્ય, સેવા-સહકાર ઉપરાંત અનેક માર્મિક ગાઢ સવાલોના જવાબનું ચિત્રણ કરવામાં આવ્યુ છે.

વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, સત્યાર્થ પ્રકાશ પુસ્તકના સર્જક, શ્નવેદ તરફ વળોલૃનું સુત્ર આપી આર્ય સમાજની સ્થાપના કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારામાં ઉતર પ્રદેશના બદાયુના બે આર્યવીરો પ્રણવ શાસ્ત્રી તથા ત્રિદેવ શાસ્ત્રી ટંકારા પધાર્યા હતા. અને ટંકારાની શેરી-ગલી અને મુખ્ય બજારની દિવાલો પર વેદમંત્રો, ઋચાઓ, જીવનના ગાઢ રહસ્યો અને તેના અર્થ લખી આર્ય નગરીની ઝાખી કરાવી છે.

દેશમાં આર્યસમાજ અને વેદ પ્રચાર અર્થે અલગ-અલગ શહેરો-કશબામા જઈ દિવાલો પર સુંદર અક્ષરે સુવાકય અને તથ્ય સાથેના વેદમંત્રો લખી તેમના જીવનમાં જે રીતે વૈદિક જ્ઞાન ઉપયોગી સાબિત થયુ અને વેદ એટલે મનુષ્ય જીવનનું કર્તવ્ય અને આપણી વિરાસતનું દાયત્વ તેમજ રાષ્ટ્ર પ્રત્યે આપણી જવાબદારી જેવા અર્થો સમાયેલું છે.

હરએક વ્યકિત સુધી અર્થ સાથેના ભાવાર્થવાળા મંત્રો પહોચે તેવા આશય સાથે દીવાલ ઉપર લખાણ લખી ઋષિ ઋણ અદા કરતા હોવાનું બન્ને આર્યવીર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું. તેઓ ઉમેરે છે કે, અમારા ગુરૂની જન્મ ભૂમિની બજારોમાં આ કાર્યનો લાભ મળ્યો અને વેદમંત્રોનુ ગુજરાતી ભાષ્ય કરનાર વાનપ્રસ્થાશ્રમી મુની દયાલજી આર્યના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું અંતમાં જણાવ્યું હતું.

આર્યસમાજના મંત્રી અને સંચાલન દેવજીભાઈ પડસુબિયા તથા વેદના અભ્યાસુ યોગેશભાઈ કાલાવડીયા, આર્યસમાજના શાસ્ત્રી સુવાસજી ચેતન સાપરિયા ઉપરાંત તમામ આર્યવિરો અને વિરાંગનાઓએ યોગદાન આપી આ કાર્યને સફળ બનાવ્યુ હતું. 

(1:30 pm IST)