Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ધારીમાં જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં શ્રાવણ માસની ઉજવણીઃ રૂદ્રાભિષેક, મંત્ર અનુષ્ઠાન, સામૂહિક શિવપૂજન

ધારી તા. ૯ :.. સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે પ૦૦ વર્ષો પુરાણું સુપ્રસિધ્ધ યાત્રા સ્થળ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ શ્રીજીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણ શ્રધ્ધા-ભકિતભાવપૂર્વક ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પર્વ શ્રાવણ માસની ઉજવણી શરૂ થઇ છે.

શિવ મંદિરમાં કૈલાસદર્શન, પુષ્પશૃંગાર, કલાત્મક રંગોળી અને વસ્ત્રાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે ૬ થી ૧ર સુધી અને બપોરે ૩ થી સાંજે ૮ સુધી શિવપૂજન, અર્ચન અને રૂદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે. શિવજીને બીલીપત્ર, જળ, પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના સામુહિક ભાવવંદના થશે. ઓમ નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન થશે. સામુહિક શિવપૂજન થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠાયુકત શિવલીંગની સાથો સાથ શિવ પાર્વતીનું સજોડે પ્રાણ પ્રતિષ્ઠાયુકત મૂર્તિમંત સ્વરૂપ બીરાજમાન હોય તેવું સૌરાષ્ટ્રનું આ અજોડ શિવાલય છે. શહેરના પ્રદુષણ, કોલાહલ, ઘોંઘાટથી દૂર શેત્રુંજી નદીને ર૦૦ ઘેઘુર વૃક્ષોની છાયામાં નૈસર્ગિક સૌદર્યથી ભરપુર રમણીય, શાંતિપૂર્ણ પ્રાકૃતિક વાતાવરણમાં ભાવિકો, દર્શનાર્થીઓ અપાર શાંતિની અનુભૂતિ કરે છે. આ પવિત્ર જયાં સેંકડો ભાવિકોની મનોકામનાઓ પુર્ણ થઇ છે તેવા પૂ. ગીરધરબાપા ભટ્ટજી અને બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિધ્ધ આ પાવન ભૂમિમાં શ્રાવણ માસના મંગળ દિવસોમાં આયોજીત આ ધાર્મિક અનુષ્ઠાનની સફળતા માટે જીવનમુકતેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવિકોને પૂજા, આરતી, દર્શનનો ધર્મલાભ લેવા ડો. કૃષ્ણકુમાર શાસ્ત્રીએ અનુરોધ કરલ છે.

(12:21 pm IST)