Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હળવદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન- ૨૧ની અટકઃ રેલી પુર્વે જ પ્રમુખની અટકાયત

( દીપક જાની દ્વારા ) હળવદઃ તા.૯, હળવદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના શહેરી જન સુખાકારી કાર્યક્રમ સામે જન અધિકાર અભિયાન ચલાવી સત્તા પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી જોકે રેલીમાં જોડાતાની સાથે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય ૨૧ જેટલા કોંગ્રેસી કાર્યકરોની ડોકટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ પાસેથી અટકાયત કરવામાં આવી હતી.

 રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથેના સૌનો વિકાસના હેઠળ નવ દિવસ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધમાં જનસંપર્ક કાર્યક્રમ કરી રહી છે ત્યારે ગઈકાલે  આઠમા દિવસે હળવદ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના શહેરીજન સુખાકારી કાર્યક્રમ સામે જન અધિકાર અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સરા નાકા ખાતે એકઠા થઇ સરકાર વિરૂઘ્ધ સૂત્રોરચાર કરી રેલી સ્વરૂપે ડોકટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ૨૧ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી

 આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ,  કાંતિભાઈ બાવરવા, મુકેશભાઈ ગામી, વિનોદભાઈ ડાભી,  હેમંતભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, જટુભા ઝાલા, ડોકટર કે.એમ રાણા, મહિપાલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે, મનસુખભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, ભરતભાઇ કણજરિયા, ગોપાલભાઈ ભરવાડ, નગરપાલિકા  વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા(.સરપંચ ), ઠાકરશીભાઈ ભરવાડ, ઓધવજીભાઈ ઠાકોર, મેહુલ ભાઈ મજેઠીયા સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

  મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર શેની ઉજવણી કરે છે..?? કોરોનામાં લોકો ઓકિસજન વગરની મૃત્યુ પામ્યા એની..?૧૦૦ રૂપિયે પેટ્રોલ-ડીઝલના થયા એની.?દોઢ વર્ષ થી સ્કૂલો બંધ છે છતાં ફિ ઉઘરાણી કરે છે એની..? હજારો યુવાનો બેરોજગાર બન્યા છે ખેતી નાશ પામી છે તે તરફ ધ્યાન દેવાને બદલે રાજ્ય સરકાર લોકોના ટેકસના રૂપિયા પાણી જેમ ઉડાવી રહી છે જેની સામે કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બની જમીન પર ઉતરી વિરોધ  કરવામાં આવી રહ્યો છે જોકે આ સરકાર હવે વિરોધ પક્ષને વિરોધ કરવા પણ નથી દેતી.

(12:19 pm IST)