Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કચ્છની ૭ નગરપાલીકાઓને વિકાસ કાર્યો માટે પ્રથમ હપ્તાના ૧૧.૩૭ કરોડના ચેકના વિતરણસાથે વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ ખાતેથી ઇ-નગર મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચીંગ

વિસ્તરતા અને વિકસતા શહેરોમાં વધુ જનસુખાકારી આપવા સરકાર સતત ચિંતિત છે : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : રાજયની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં સર્વાંગી વિકાસ માટે પાંચ વર્ષ આપણી સરકારના 'સૌના સાથ સૌના વિકાસના સૌને વિશ્વાસ'ના આ સેવાયજ્ઞ અંતર્ગત ગઈકાલે શહેરી જનસુખાકારી દિવસ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અંજાર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વિસ્તરતા અને વિકસતા શહેરોમાં વધુ જનસુખાકારી આપવા સરકાર સતત ચિંતિત છે. છેલ્લા બે દશકમાં રાજયના શહેરોમાં થયેલા નોંધનીય આમૂલ્ય વિકાસ થી અન્ય રાજયો પ્રભાવિત થયા છે ત્યારે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની પાંચ વર્ષની સરકારના કાર્યક્રમોમાં આજ રોજ યોજાયેલા શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાની સાત નગરપાલિકાના વિકાસ માટે રૂપિયા ૧૧.૩૭ કરોડની ગ્રાન્ટ ઓનલાઇન ચૂકવાઇ છે . આ વિકાસ સહાયથી નગરજનો માટેની માળખાકીય અને પાયાની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થશે.

આ તકે તેમણે કચ્છ જિલ્લા શહેરી વિકાસનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટના પગલે સ્થાનિકો અને કમાવવા આવેલા લોકોની રોજગારી અને માથાદીઠ આવક વધી છે. ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેકટ આકાર પામી રહ્યો છે.ગાંધીધામ ઔદ્યોગિક હબ બન્યું છે. અંજારમાં વીરબાળ વીરભૂમિ પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે . ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા પ્રવાસનની ઉજળી તકો દેખાઈ રહી છે. નર્મદાના વધારાના એક મિલીયન ધનફુટ પાણીને રૂ.૩૪૭૫ કરોડના ખર્ચે પાઇપલાઇનથી કચ્છને મળવાથી પાણીની રાહત મળશે. કચ્છ યુનિવર્સીટીથી શિક્ષણમાં વિકાસ થયો છે .આવા અનેકવિધ વિકાસથી આજે કચ્છ પ્રગતિ કરી રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ નગરપાલિકાઓને રૂપિયા ૧૧.કરોડ ૩૭ લાખ ૫૦ હજારની સહાય વિકાસ માટે કરવામાં આવી છે.

ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી એ જણાવ્યું હતું કે, ગુજરાતનું વિકાસ મોડલ અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આજે શહેરી વિકાસના કામોને અગ્રતા આપવાના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરકાર રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૦૦ કરોડની રકમના ચેક અર્પણ કરશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અન્વયે યોજાઈ રહેલા આ શહેર જનસુખાકારી દિવસ નિમિત્તે કચ્છની સાત નગરપાલિકાને વિકાસ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. અન્ય રાજય કોરોનાની મહામારી માંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યાં હતા ત્યારે ગુજરાત રાજય કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે વિકાસની કામગીરી કરીને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના વિકાસ સંકલ્પ ને વિકાસ કાર્યોને પાયાના સર્વે લોકો સુધી પહોંચાડવાની ફરજ આપણા સૌનીછે એમ પણ તેમણે આ તકે જણાવ્યું હતું.

ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે આ તકે આ જિલ્લાના નોંધનીય વિકાસની વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તેની વિકાસયાત્રામાં ભુજ શહેરને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરાશે. શહેર ના વિકાસમાં વહીવટી તંત્રનો સહકાર પણ તેમણે જણાવ્યો હતો. ભાડાના વિકાસમાં કલેકટરશ્રી પ્રવીણ ડી.કે ના સહયોગનો ઉલ્લેખ તેમણેકર્યો હતો.

શહેરીજનોની સુખાકારી દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં રૂપિયા ૧૧.૩૨ કરોડ ના ચેક વિતરણમાં જિલ્લાની સાત નગરપાલિકાઓમાં ભુજને રૂ. ૨.૫૦ કરોડ, ગાંધીધામને રૂ. ૨.૫૦ કરોડ ,અંજારને રૂ. ૧.૫૦ કરોડ, માંડવીને રૂ. ૧.૫૦ કરોડ, રાપરને રૂ. ૧.૨૫ કરોડ, મુન્દ્રાને રૂ. ૧.૨૫ કરોડ પ્રથમ હપ્તાની ગ્રાન્ટના ચેક મંચસ્થ મહાનુભાવોએ અર્પણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં તમામ નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી તથા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની આભારવિધિ અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ એ કરી હતી. કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવીણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)