Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હર...હર...મહાદેવના નાદ સાથે શ્રાવણનો પ્રારંભ

શિવાલયોમાં ભાવિકો ઉમટ્યાઃ કોરોના ગાઈડલાઈન સાથે પૂજન-અર્ચન કરતા ભાવિકો

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરે શંકર-પાર્વતીની મૂર્તિવાળુ મંદિરઃ ગોંડલઃ જૂનાગઢમાં જવાહર રોડ પર શ્રી સ્વામીનારાયણ મંદિરે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શંકર-પાર્વતીની મૂર્તિવાળુ મંદિર આવેલ છે જે નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૨-૫)

રાજકોટ, તા. ૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી શ્રાવણ મહિનાનાં પ્રારંભ સાથે ભાવિકોમાં ઉત્સાહ છવાયો છે. આજે સોમવાર અને શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે સંયોગ થયો છે અને કોરોના ગાઈડ લાઈન સાથે ભાવિકો પૂજન-અર્ચન કરી રહ્યા છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ શ્રી સમસ્ત બ્રહ્મયુવા સંગઠન જૂનાગઢ તરફથી દર વર્ષે પ્રથમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાઆરતીનું આયોજન કરેલ છે તેના અનુસંધાને ચાલુ વર્ષે પણ મહાઆરતી તેમજ મહાઆરતી પછી ફળાહારનું આયોજન કરેલ છે. તો દરેક ભકતો તેમજ બ્રહ્મસમાજના દરેક ભૂદેવોએ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ગરબી ચોક, ટીંબાવાડી-જૂનાગઢ ખાતે આજે સાંજે ૭ વાગ્યે ઉપસ્થિત રહેવા જણાવ્યુ છે.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટાઃ ઉપલેટામાં મોજ નદીના કાંઠે આવેલ પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભવ્ય રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉપલેટામાં આવેલ આ પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે તા. ૯-૮-૨૦૨૧ના રોજ રાત્રે ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અને પ્રથમ સોમવારના રોજ ઉપલેટાના લગભગ ૮૦ વર્ષથી ચાલતા શ્રી સત્સંગ ભુવન રામધૂન મંડળની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સત્સંગ મંડળ દ્વારા ઉપલેટાના પૌરાણિક એવા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાનાર રામધૂનમાં ઉપલેટાના તેમજ આસપાસના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને, ભકતો અને સંતોને પધારવા મહંતશ્રી નિલેશગીરી બાપુ તથા મહંતશ્રી વિવેકગીરીબાપુ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે અને આ શ્રાવણના પ્રથમ સોમવારે યોજાનાર રામધૂનમાં સહભાગી થવા આમંત્રણ પાઠવેલ છે.

(11:18 am IST)