Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પ્રથમ દિવસે બોરસલીનો શ્રૃંગાર

શ્રાવણના પ્રારંભે શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને ભાવિકો ઉમટયા

હર...હર..મહાદેવના નાદ ગુંજયાઃ સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક સહિતના નિયમોનું પાલન

 (દિપક કકકડ-મીનાક્ષી ભાસ્કર વૈદ્ય - દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૯ :.. આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજે પ્રથમ સોમવાર અને શ્રાવણનાં પ્રથમ દિવસે ભાવિકો દર્શન માટે ઉમટયા છે.

શ્રાવણનાં પ્રથમ સોમવારે માનવ મહેરામણ ઉમટી પડેલ હતો રાત્રીનાં જ લોકો પગપાળા અને વાહનો મારફત સોમનાથ તરફ આવી રહેલ હતા અને મંદિર વહેલી સવારનાં ૪ કલાકનાં ખૂલતાની સાથે દર્શન માટે મોટી લાઇનો જોવા મળેલ હતી. ૬.૧પ નાં મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવેલ, ૭ કલાકે પ્રા. મ આરતી ૭.૩૦ કલાકે મહામૃત્યંજય યજ્ઞનો પ્રારંભ થયેલ, ૭.૪પ કલાકે સવા લક્ષ બિલીપૂજાનો પ્રારંભ થયેલ અને ૮ કલાકે શ્રાવણ માસની પ્રથમ નૂતન ધ્વજા રોકાણ કરવામાં આવેલ. દર સોમવારે મંદિર પરીસરમાં પાલખી યાત્રા નિકળતી પરંતુ કોરોનાને ધ્યાને રાખીને બંધ રાખવામાં આવેલ છે. પરંતુ પાલખીયાત્રાનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવેલ.

શ્રાવણના પ્રથમ દિવસે નર્મદામાતાનુ પવિત્ર જળ, ઓમકારેશ્વર મધ્ય પ્રદેશથી પગપાળા દોઢ માસનો પ્રવાસ ખેડી લઇ આવેલ કાવડીયા રાજેશ બાપુએ કોરોના મહામારીથી વિશ્વનું સોમનાથ દાદા રક્ષણ કરે અને મૃતકનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરેલ તેમજ સોમનાથ-મહાદેવને નર્મદાનું જળ અર્પણ કરેલ હતું.

સોમનાથ ટ્રસ્ટનાં સેક્રેટરી ટ્રસ્ટી પી. કે. લહેરી દ્વારા મંદિર પરીસરમાં વહેલી સવારથી તમામ વ્યવસ્થાનું  નિરીક્ષણ કરેલ હતું અને સોમનાથમહાદેવને વહેલી સવારનાં વિવિધ પિતાંબર ફુલોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવેલ હતો. પોલીસ, એસ. આર. પી., જી. આર. ડી. સોમનાથ ટ્રસ્ટની એકયુરીટી દ્વારા બંદોબસ્ત ગોઠવેલ હતો અને દર્શનાર્થીઓ કોરોનાં નિયમનું પાલન કરાવેલ હતું. સોમનાથ ખાતે ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે આ વરસે શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધા અમદાવાદના જતીન પટેલના સહયોગથી ગોઠવાઇ છે જેમાં મંદિરના એન્ટ્રીગેટથી છેક દિગ્વીજય દ્વાર નજીકના અંતરે દર્શન કરવા જવાના સંપૂર્ણ પથને વોટરપ્રુફ-વરસાદ અને ધોમધખતા તડકાથી રક્ષણ આપતો ડોમ ૧૬૦૦૦ ચોરસ ફીટ સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી, સચિવ પ્રવિણભાઇ લહેરી સહયોગથી દાતા જતીનભાઇ પટેલે ગોઠવી આપેલ છે જે આખો શ્રાવણ માસ અને છેક દિવાળી સુધી યાત્રિકોની સેવામાં રહેશે.

(11:17 am IST)