Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

૧૬ કરોડ એકત્ર થાય તે પહેલા વિવાન જિંદગી સામે હારી ગયો

સ્પાઇન મસ્કયુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના ૪ માસના વિવાને ગઇકાલે સાંજે ઘરે અંતિમ શ્વાસ લીધો હતો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૯ : તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને ૧૬ કરોડનુ મોંઘુદાટ ઈન્જેકશન લગાવાયુ હતુ. ધૈર્યરાજતો આ બીમારીમાંથી ઉગારી ગયો છે. ત્યારે ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને પણ SMA નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. આ આખરે વિવાને ગઇકાલે વિવાને દુનિયાને અલવિદા કહી વિદાય લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઈન મસ્કયુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના ૪ માસના વિવાને ગઇકાલે સાંજે ઘરે અંતિમ શ્વાસ લીધો હતો. ૧૬ કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા હતા. ૧૬ કરોડનું ફંડ ભેગુ થાય તે પહેલાં જ વિવાનએ દુનિયાને કહી અલવિદા કહી દીધું છે. હાલ વિવાન ની ડેડ બોડીને સોલા સિવિલ ખાતે કોલસ્ટોરેજમાં રાખવામાં આવી છે. થોડા કલાકો બાદ વિવાનની પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવશે. ત્યારબાદ વિવાનની અંતિમ વિધિ તેના વતનમાં કરવામાં આવશે. વિવાનના પરિજનો સોલા સિવિલ ખાતે હાજર છે. 

વિવાનની મદદ માટે અત્યાર સુધીમાં લાખોનું ફંડ ભેગુ થયુ હતું પરંતુ વિવાનએ ઇંજેકશન માટે ૧૬ કરોડનું ફંડ એકઠું કરવાનું હતું. અશોકભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત અને દેશમા લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. વિવાન માટે આવેલું ભંડોળ સામાજિક સેવામાં વાપરવાની પરિવારે ખાતરી આપી છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ ફંડ એકઠું ન કરી શકતા પોતાના એકના એક દિકરાને ગુમાવી ચૂકયા છે.

૨.૨૦ કરોડ એકત્ર થયા છે તે વિવાન નામનું ટ્રસ્ટ બનાવીને  આવી બિમારીવાળા બાળકોને આર્થિક મદદ કરીશું

હવે સહાય ન મોકલવા વિવાનના પિતા અશોકભાઇ વાઢેળની અપીલ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૯ : આલીદર ગામે રહેતા વિવાન વાઢેળનું આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયેલ છે. જેને SMA-1થી પીડાઇ રહેલ હોય જેને ૧૬ કરોડનું ઇન્જેકશનની જરૂર હોય તે માટે લોકો ફંડ એકઠું કરવા માટે રસ્તા ઉપર આવ્યા હતા.

તેના પિતા અશોકભાઇ વાઢેળે જણાવેલ કે, વિવાન હવે આપણા વચ્ચે રહ્યો નથી તો લોકો હવે સહાય મોકલે નહિ તેવી વિનંતી સાથે જણાવેલ કે, વિવાન માટે રૂ. ૨ કરોડ ૨૦ લાખ જેટલો ફાળો થયેલ છે જે અમે વિવાનના નામનું ટ્રસ્ટ બનાવશું અને આવા બાળકોને આર્થિક મદદ કરીશું. વિવાન વાઢેળની અંતિમવિધિ પોતાના ગામ કોડીનાર તાલુકાના આલીદર ગામે રાખેલ છે. આ બનાવની કોડીનારમાં જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.

(11:20 am IST)