Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝથી કામયાબી : ખેતરમાં દવા છાંટવાની લારી બનાવી

ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની કામયાબી બદલ સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરાયા

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવાની લારી બનાવી છે ત્યારે આ દવા છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે તેમને સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ખેડૂતને સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં મોટી પાનેલીના વતની દરબાર ખેડૂત જસુભા (જસવંતસિંહ) ઉદુભા વાળા જેમનું ખેતર વલાસણમાં આવેલ છે ત્યાં જસુભા વાળાએ પોતાની ઓગણીસ વીઘા ખેતી માટે એક અલગ જ અને સાવ મફત ચાલતું યંત્ર એટલે કે ખેતરના કોઈપણ મોલમાં દવા છાંટવા માટે રેંકડી (લારી) બનાવી છે.

ખેડૂતની આવી બુદ્ધિ અને કામગીરીને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે તેમની નોંધ લઇ રેંકડીની વિશેષતા અને ફ્યુલની બચત સાથે પ્રદુષણમાં પણ મોટી રાહત આપતી આ લારીથી સરકાર ભારે પ્રભાવિત થઇ છે. જેથી ખેડૂત જસુભા વાળાને ખેડૂત સન્માનનિધિ અંતર્ગત ખેતરમાં વિશેષ સફળતા અને નવા સંશોધન બદલ સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે આ ખેડૂત જસુભા વાળાને પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા તેમજ પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

આ અંગે ખેડૂત જસુભા સાથે વાત કરતા લારીની ખૂબીઓ વિશે જણાવતા તેઓએ કહ્યું હતું કે, કોઈપણ મોલ હોય તે પછી નાનો હોય કે મોટો હોય મગફળી, કપાસ, એરંડા, તુવેર, કઠોળ, શાકભાજી, તલ વિગેરે મોલમાં એકદમ આસાનીથી આ લારી દ્વારા મોલમાં દવાનો છંટકાવ કરી શકાય છે. તેના માટે તેને નથી કોઈ ડીઝલ કે અન્ય ફ્યુલ જોતું કે નથી જોઇતી બેટરી રાખવી પડતી. ત્યારે સાવ મફતમાં આ રેંકડી ચાલે છે અને બીજો ફાયદો એ છે કે દરેક મોલમાં એકસરખી દવાનો છટકાંવ થાય છે.

ખેડૂતે બનાવેલ આ મશીનમાં ગમે ત્યારે નોઝલમાં ફેરફાર કરી દવાનું પ્રમાણ ઘટાડી અને વધારી શકાય છે. જેથી દવાનો વધારે ઉપયોગ કે ખોટો વેળફાટ પણ નથી થતો અને ધોરીયા સુધીના છોડવામાં પણ દવા છાંટી શકાય છે. જેમાં એકપણ છોડ ભાંગતો નથી અને આ લારી માત્ર બે હજારથી લઇ સાત હજાર સુધીમાં બની જાય છે.

જસુભા વાળા ખેતીમાં અલગ-અલગ પ્રયોગ કરી દર વર્ષે ઉત્તમ ઉત્પાદન મેળવે છે સાથે જ પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી તેમજ અલગ-અલગ પ્રકારના ફૂલઝાડ આયુર્વેદિક વનસ્પતિઓ પણ ઉગાડી લોકોને ઉપીયોગી બનવા માટેના પ્રયત્ન પણ આ તકે કરી રહ્યા છે. જેથી આ જસુભા વાળાની કોઠાસૂઝ બદલ રાજ્ય સરકાર તરફથી મળેલ સન્માન બદલ સમાજના વડીલો સમિત આગેવાનોએ પણ ખૂબ અભિનંદન આપી પાનેલીને ગૌરવ અપાવવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણાદાયી બને તેવું કામ કરી રહ્યા છે.

(9:11 am IST)