Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાળનો સુખદ અંત: આજથી જ લોડિંગ અનલોડિંગ પણ ચાલુ

સિરામિક એસોસિએશન અને ટ્રક ટ્રાન્સપોર્ટર સંગઠનની બેઠકમાં મડાગાંઠ ઉકેલાઈ: તમામ બાબતો અંગે વિચાર વિમર્શ બાદ આજથી જ હડતાળ સમાપ્ત કરવા બન્ને સંગઠન વચ્ચે સહમતી

મોરબી : મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીસકા માલ ઉસકા હમાલ ભાડા પદ્ધતિની માંગ સાથે 26 જુલાઈથી શરૂ કરેલી હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે અને આજથી જ લોડિંગ અનલોડિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

માલ તેમની મજૂરી પ્રશ્ને ચાલતી હડતાળના નિરાકરણ માટે આજરોજ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં તમામ બાબતો અંગે વિચાર વિમર્શ બાદ આજથી જ હડતાળ સમાપ્ત કરવા બન્ને સંગઠન વચ્ચે સહમતી સાધવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ હડતાળ સમાપ્ત થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. એ જ રીતે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ સદામભાઈએ વાટાઘાટો બાદ હડતાળ સમેટાઈ હોવાનું અને જે નિર્ણય થયા છે તેને લેખિત સ્વરૂપ આપવા કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

(10:01 pm IST)