Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિદિવસીય મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

કોરોના મહામારીના કારણે ઓનલાઇન-ઓફલાઇન પાસ ફરજીયાતઃ મહામૃત્યંજય યજ્ઞ-જયોત પૂજન-ચાર પ્રહરનું વિશેષ પુજન-આરતીઃ ધાર્મિક-આધ્યાત્મીક-સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રિવેણી સંગમ રચાશે

વેરાવળ-પ્રભાસપાટણ, તા., ૯: પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપારીક ઉજવણી કરવામાં આવતી હોય છે. નેમાં તા.૧૦ થી તા.૧ર માર્ચ ર૦ર૧ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૧-૩-ર૦ર૧ ગુરૂવારે મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સવારે ૪ થી લઇ સતત ૪ર કલાક ભકતજનો માટે ખુલ્લુ રહે છે.

ચાર પ્રહરની વિશેષ પુજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે. જેમાં ઉપસ્થિત રહી ભકતો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભકતોના જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓએ સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે દર્શન માટે પાસ પાસ મેળવવા ફરજીયાત રહેશે. ઓનલાઇન પાસ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org  પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમજ ઓફલાઇન પાસ ટ્રસ્ટના પથીકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે પાસ વિતરણ કેન્દ્ર પરથી મેળવી શકાશે.

મહાશિવરાત્રી મહોત્સવ ર૦ર૧ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવીકો વિશેષ શિવભકિત કરી શકે તેવા હેતુથી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. દાતાશ્રીઓના સહયોગથી શ્રી સોમનાથ મંદિરને પુષ્પોથી સુશોભીત કરવામાં આવશે. ભાવીકો યજ્ઞ, પૂજાવિધિમાં જોડાઇ કૃતાર્થ થશે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજાઓનું જેટલુ પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રીએ શિવપુજા દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રીએ ભાવીકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પુજન, ધ્વજા પુજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપુજનથી થશે. મહામૃત્યુજય યજ્ઞ, મહાશિવરાત્રીએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહીત વિશેષ કાર્યક્રમો સરકારશ્રીની કોવીડ-૧૯ની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org  તથા સોશ્યલ મીડીયા માધ્યમ ફેસબુક @SomnathTempleofficial ટવીટર @Somnath_Temple ઇન્સ્ટાગ્રામ SomnathTemple Officil  યુ ટયુબ  Somnath Temple-Official Channel

  વોટસએપ/ટેલીગ્રામ નં. ૯૭ર૬૦ ૦૧૦૦૮ એડ્રોઇડ તથા એપલસ્ટોર પરથી સોમનાથ યાત્રા માધ્યમથી પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લ્હાવો દેશ-વિદેશના ભકતો ઘેર બેઠા લઇ શકશે. સોમનાથ મહાશિવરાત્રી પર્વે ભકતો ઘરે બેઠા ઓનલાઇન પુજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભકતો પૂજા તેમજ દર્શન કરી શકશે. પુજા ટ્રસ્ટની ઉપરોકત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે.

તાજેતરમાં જ પોસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રસાદ સેવા માટે મનીઓર્ડર ભારતભરની કોઇ પણ પોસ્ટ ઓફીસ ખાતે નોંધાવી ઘરબેઠે ભકતો પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દ્રશ્યમાન થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એલઇડી સ્ક્રીનમાં લોકો આવતા-જતા સોમનાથ જીના લાઇવ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે.

જુદા જુદા દાતાશ્રીઓના સહયોગથી મહાશિવરાત્રી પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે.

તા.૧૦-૩-ર૦ર૧ તથા તા.૧૧-૩-ર૦ર૧ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત રાજય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દેશભરમાં જુદા-જુદા રાજયોના કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરશે. આ કાર્યક્રમ કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે. જેને લોકો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડીઝીટલ પ્લેટફોર્મ પરથી નિહાળી શકશે. શ્રીસોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષશ્રી અને વડાપ્રધકાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા ટ્રસટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહભેર મહા શિવરાત્રી મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા હેતુ કામે લાગેલા છે. દિવ્યાંગોને દર્શન અંગેની સહાયતા સ્વાગત કક્ષથી મળશે. વૃધ્ધો તથા અશકતો તેમજ દિવયાંગ યાત્રીકો માટે પાર્કીગથી મંદીર સુધી પહોંચાડવા માટે વિનામુલ્યે બસ વ્યવસ્થા, સાથે જ સ્વાગત કક્ષથી મંદિર સુધી ઇ-રીક્ષા-વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રીકો માટે કલોકરૂમ, શું હાઉસ, પુજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્ટરો, સહીતની વ્યવસ્થા કરવામાં આવનાર છે. મહાશિવરાત્રીના રોજ ર૪*૭ સ્વાગત -પુછપરછ કેન્દ્ર મંદીરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે. જેમના સંપર્ક માટે મો.૯૪ર૮ર ૧૪૯૧૭  રહેશે.

સોમનાથમાં મહાશિવરાત્રીએ આવનાર યાત્રીકોને કોઇ મુશ્કેલી ન પડે, કતાર બંધ દર્શન થઇ રહે, તમામ પ્રાથમીક સુવિધા જેવી કે પીવાનું પાણી, સોશ્યલ ડીસ્ટન્સ માટે સર્કલ, સેનીટાઇઝર, ટેમ્પ્રેચર ચેકીંગ મશીન, વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ આવતા દર્શનાર્થીઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ પ્રશાસન, નગર પાલીકા સફાઇ કર્મી સર્વેને મહાશિવરાત્રી પર્વે જ સુનીયોજીત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(1:09 pm IST)