Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સાયલાના કોટડામાં કુંજ પક્ષીને ભડાકે દઇ શિકારીઓએ યુવાનને છરીના ઘા ઝીંકયા

અમારા ખેતરમાં આવું શું કામ કરો છો? કહી મંગળુભાઇએ ચાર શખ્સોને અટકાવતાં હુમલો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૯: સાયલાના કોટડા ગામમાં રહેતાં મંગળુભાઇ રામકુભાઇ કરપડા (ઉ.વ.૩૫) નામના યુવાને પોતાના ખેતરમાં કુંજ પક્ષીને દેશી બંદૂકથી ભડાકે દઇ શિકાર કરનારા ચાર અજાણ્યા શિકારીને ટપારતાં આ શખ્સો હુમલો કરી છરીના ઘા ઝીંકી ભાગી જતાં મંગળુભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંગળુભાઇના સગા રાજુભાઇના કહેવા મુજબ મંગળુભાઇ તેના ખેતરે હતાં ત્યારે ચારેક શખ્સોએ આવી દેશી બંદૂકથી ભડાકો કરી ખેતરમાં એક કુંજ પક્ષીનો શિકાર કર્યો હતો. આથી મંગળુભાઇએ આ ચારેયને ટપારી પોતાના ખેતરમાં આ રીતે શિકાર ન કરવા સમજાવી ઠપકો દેતાં ચારેય તેના પર હુમલો કરવા દોડ્યા હતાં. મંગળુભાઇએ દેશી બંદૂક ઝુંટવી લઇ તોડી નાંખતાં એ શખ્સો છરીથી તૂટી પડ્યા હતાં અને આડેધડ ઘા ઝીંકી ભાગી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે. શિકાર કરનારા શખ્સો ગઢવાળા તરફના હોવાનું જણાવાયું હતું.

(11:29 am IST)