Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રણ વર્ષ બાદ 'મસ્કતી લટોરો' પક્ષીની જોડીનું આગમન

જામનગર : ૧૯થી ર૧ સે.મી.ની લંબાઇ ધરાવતુ ગ્રે હાઇપોકોલીયસ (મસ્કતી લટોરો) સામાન્ય રીતે રણ પ્રદેશ, સુકા પ્રદેશ અને દીરયાકાંઠાના ચેર તથા પીલુડીના વૃક્ષો વાળા વિસ્તારમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. મીડલ ઇસ્ટ ઇરાક, ઇરાન, અફઘાનીસ્તાન, પાકિસ્તાન અને તુર્કીસ્તાનના રણ વિસ્તારોમાં ઉછેર કરતું પક્ષી છે. શિયાળો ગાળવા ભારતના કચ્છ જેવા વિસ્તારમાં નિયમીત આવતું રહે છે. જામનગરના વિસ્તારમાં આ પક્ષી દુર્લભ ગણવામાં આવે છે. વર્ષ ર૦૧પના ફેબ્રુઆરી માસમાં જામનગરના નરારા ટાપુ ખાતે તેની સૌ પ્રથમ નોંધ થયેલ ત્યારબાદ ફરી આ વર્ષે એટલે કે ત્રણ વર્ષના ગાળા બાદ આ પક્ષી ફરી નરારા ખાતે જોવા મળેલ છે. તેનો આકાર લાંબો અને પાતળો છે તેમજ કલરમાં ગ્રે અને આછા કથાઇ કલર ધરાવે છે. આંખની આસપાસ કાળા ત્રિકોણીય સાથે નર પક્ષી દેખાવમાં સુંદર હોય છે અને મુખ્યત્વે પીલુડીના વૃક્ષોના ફળ તેનો ખોરાક મેળવે છે. આ વર્ષે નરારા ખાતે નર અને માદા એમ આ પક્ષીની જોડી જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાય છે. જામનગરના જાણીતા યુવા પક્ષીવિદ ચિરાગ સોલંકીના કહેવા અનુસાર ખાસ કરીને કચ્છમાં જ જોવા મળતું આ પક્ષી ગુજરાતના બીજા વિસ્તારો માટે દુર્લભ છે. સમયાંતરે આ પક્ષી જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહ્યું હોય જામનગરના પક્ષી પ્રેમીઓ માટે આનંદની વાત ગણી શકાય. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:05 pm IST)