Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પોરબંદરમાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન

પોરબંદર તા. ૮ : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા તા. ૧૦મીએ મહિલા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે માર્કેટીંગ યાર્ડ ખાતે તા.૧૦ના સવારે ૮-૩૦ કલાકે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાનાર છે. બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત યોજાનાર આ મહિલા સંમેલનમાં જિલ્લાભરમાંથી મહિલાઓ સહભાગી થશે.

મહિલા દિનની ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવા પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટીએ જણાવ્યું હતું કે, મહિલાઓમાં જાગૃતિ લાવવા તથા મહિલાઓની સુરક્ષા માટે ઘડાયેલા કાયદાઓની વિશેષ માહિતી આપવાના હેતુથી આ દિવસે એક મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહિલા સંમેલનમાં મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓનો લાભ તમામ લોકો સુધી પહોંચે તે માટે યોજનાલક્ષી સ્ટોલ રાખવામાં આવશે. ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ગેસકીટ અર્પણ કરાશે. તેમજ પોરબંદર જિલ્લામાંથી પ્રતિભાશાળી વિશિષ્ટ મહિલાઓ અને ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

મહિલા સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી, જિલ્લાના પ્રભારી સચિવ, સંસદ સભ્ય, ધારાસભ્યો, જિલ્લા કલેકટર અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારી સી.પી.નેમા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

(11:43 am IST)