Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ગવરીદળના રસિક પટેલે ૨૫ાા લાખ સામે ૪૧.૫૯ લાખ વ્યાજ ચુકવ્યું છતાં ૨ કિલો ચાંદી પડાવી લેવાઇ

દિકરાને વધુ વ્યાજ માટે ગવરીદળના અરૂણ અજાણી, તેની પત્નિ ઇલા અજાણી અને રાજકોટનો હાર્દિક પટેલ સતત ધમકી આપતાં હોવાની ફરિયાદઃ કુવાડવા પોલીસે અરૂણ અને હાર્દિકને પકડ્યાા

રાજકોટ તા. ૯: ગવરીદળના લેઉવા પટેલ યુવાને બે શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂ. ૨૫,૫૦,૦૦૦ની સામે ૪૧,૫૯,૦૦૦ ચુકવી દીધા છતાં તેની પાસેથી બે કિલો ત્રણસો ગ્રામ ચાંદી પડાવી લઇ તેમજ ત્રણ ચેક લખાવી લઇ ધમકી અપાતાં અને એક મહિલા પણ ઉઘરાણી માટે ધમકાવતી હોવાની ફરિયાદ થઇ છે. પોલીસે બે શખ્સની ધરપકડ કરી લીધી છે. 

ગવરીદળમાં રહેતાં રમેશભાઇ લાખાભાઇ અજાણી (ઉ.૫૫) નામના પટેલ પ્રોૈઢની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગવરીદળમાં મેઇન બજાર દરબાર ગઢ સામે  રહેતાં તેના કોૈટુંબીક ભાઇ અરૂણ સવદાસભાઇ અજાણી,  ઇલાબેન અરૂણ અજાણી અને રાજકોટ બેકબોન પાસે રહેતાં હાર્દિક ઉર્ફ હીરો પ્રવિણભાઇ ઉંધાડ (રહે. માયાણીનગર-૧, ચંદ્રેશનગર મેઇન રોડ) સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અરૂણ અને હાર્દિકની ધરપકડ કરી છે.

રમેશભાઇએ જણાવ્યું હતું કે મારો દિકરો રસિક અગાઉ મોરબી રોડ જુના જકાતનાકા પાસે ઇમિટેશનનું કારખાનુ ધરાવતો હતો. તેને ધંધાના કામે પૈસાની જરૂર પડતાં અઢી વર્ષ પહેલા કોૈટુંબીક ભાઇ અરૂણ અજાણી પાસેથી રૂ. ૧૧ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતાં. તેના દર મહિને ૫૫ હજાર લેખે કુલ ૨૫ મહિનામાં ૧૩,૭૫,૦૦૦ ચુકવી દીધા છે. ઉપરાંત હાર્દિક ઉંધાડ પાસેથી ૮ ટકા વ્યાજે રૂ. ૧૪,૫૦,૦૦૦ લીધા હતાં. તેની સામે દર મહિને રૂ. ૧,૨૪,૦૦૦ના હપ્તાથી રૂ. ૨૭,૮૪,૦૦૦ ચુકવી દીધા છે. આમ બંનેને મુળ રકમ કરતાં પણ વધુ રકમ ચુકવી દીધી હોવા છતાં બંને વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરે છે.

જેમાં હાર્દિક મારા દિકરા રસિકને મારી નાંખવાની ધમકી આપી તેની પાસેથી ૨ કિલો ૩૦૦ ગ્રામ ચાંદી પણ બળજબરીથી પડાવી ગયો છે. તેમજ અરૂણ મારા દિકરા પાસેથી ૧૧ લાખની રકમના ૩ ચેક લઇ ગયો હતો. અરૂણની પત્નિ ઇલા પણ પૈસાની ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપે છે.

પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે લોક દરબાર યોજી વ્યાજખોરો સામે ફરિયાદ કરવા આગળ આવવા ભોગ બનેલા લોકોને અપિલ કરી હોઇ તે અંતર્ગત ડીસીપી ઝોન-૧ બલરામ મીણા તથા એસીપી બી. બી. રાઠોડની રાહબી હેઠળ ઉપરોકત ગુનામાં  કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા,   પી.એસ.આઇ. એમ. કે. ઝાલા, હીરાભાઇ રબારી, હિતેષદાન ગઢવી, પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ માડમ સહિતએ તપાસ હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે. (૧૪.૬)

લોક દરબાર બાદ વ્યાજખોરો સામે કુલ ૧૮ ગુના નોંધાયા

* પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જોઇન્ટ પોલસ કમિશ્નર ડી.એસ. ભટ્ટે તથા ડીસીપી બલરામ મીણા તથા ડો. કરણરાજ વાઘેલાએ લોક દરબારોના આયોજન કરી વ્યાજખોરોથી ઘેરાયેલા લોકોને સામે આવવા આહવાન કર્યા બાદ ધડાધડ ફરિયાદો નોંધાઇ રહી છે. અનેક લોકો જે અત્યાર સુધી ગભરાયેલા હતાં તે ફરિયાદો નોંધાવતા થયા છે. અઠવાડીયામાં જ અઢારથી વધુ ગુના દાખલ થઇ ચુકયા છે. તેમજ ડઝનેક શખ્સોની ધરપકડની કાર્યવાહી થઇ ગઇ છે.

(11:57 am IST)