Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ગોંડલ પાલિકામાં પુરૂષ પ્રમુખ માટે ચાર સદસ્યોના નામ મોખરે

મોવડી મંડળ પીપળીયા, ડાભી, જાડેજા અને પડાળિયામાંથી પસંદગી કરશે કે કોઇ નવો ચહેરો જ લાવશે

ગોંડલ તા. ૯ : ગોંડલ નગરપાલિકામાં મહિલા પ્રમુખના શાસનના રોટેશનને પુરું થવામાં હજી ચાર માસ જેવો સમય બાકી છે ત્યાં જ પુરુષો પ્રમુખ માટે પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય શરૂ થઇ જવા પામ્યો છે આ અંગે પાલિકાના ચાર સદસ્યોના નામની જોરશોરથી ચર્ચાઓ પણ શરૂ થઇ જવા પામી છે.

ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં હાલ મહિલા પ્રમુખના રોટેશન નો કારભાર મનિષાબેન સાવલિયા સંભાળી રહ્યા છે. મહિલા પ્રમુખના રોટેશનને હજુ ચાર માસ જેવો સમય બાકી છે ત્યાં જ પાલિકાના ભાજપનાં જ સદસ્ય અશોકભાઈ પીપળીયા, ચંદુભાઇ ડાભી, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ કૌશિકભાઇ પડાળીયા નામ મોખરે ચર્ચાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં પુરુષ પ્રમુખ માટે અશોકભાઈ પીપળીયા નું નામ ફાઈનલ જ હતું ત્યાં જ મોવડી મંડળે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મનસુખભાઈ સખીયાને પ્રમુખ બનાવી સર્વેને વિચારતા કરી મુકયા હતા તો શું આ ટર્મમાં અશોકભાઈ પીપળીયાને પ્રમુખ પદ મળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે સાથે પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજાના ચુસ્ત ટેકેદાર પણ અશોકભાઈ પીપળીયા જ ગણાય છે. તો ચંદુભાઇ ડાભી પણ પાલિકના પ્રમુખ રહી ચૂકયાં છે અને પાલિકા તંત્રને કેમ હેન્ડલ ગરવું તે સારી રીતે જાણે છે એ ઉપરાંત શહેર-તાલુકામાં કોળી સમાજમાં પણ ખાસ્સું વર્ચસ્વ ધરાવે છે, રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેનનો અનુભવ ધરાવે છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓની મહેનત દેખાઈ આવી હતી જયારે કૌશિકભાઇ પનાળીયા પટેલ પરિવારમાંથી આવતા હોય સાથે કોરી પાટીના નેતા ગણાય છે અને આરડીસી બેન્કના ડિરેકટર પ્રવીણભાઈ રૈયાણી અને ખેડૂત આગેવાન જગદીશભાઇ સાટોડિયા ના સહયોગી ગણાય છે તો આ મુજબ પુરુષ પ્રમુખ પદ ને ચાર માસ બાકી હોવા છતાં પણ પદ માટે ચર્ચા નો દૌર શરૂ થઇ જાવા પામ્યો છે.

(11:33 am IST)