Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કાલાવડ કોર્ટે ફરમાવેલ આજ્ઞાંકિત મનાઈ આદેશ

કાલાવડ સીમના રસ્તામાં કરેલ કાટમાળનો ઢગલો દિવસ-૧૦માં ખસેડી લેવાનો તથા રસ્તેથી ચાલતા અટકાવે નહી

રાજકોટઃ આ કેસની હકીકત એવી  છે કે, પ્રેમજી રત્ના ફળદુ તથા તેના કુટુંબીજનોની ખેતીની જમીનનો વંશ, પરંપરાગત ૬૦ વર્ષ ઉપરાંતનો જુનવણી ગાડા મારગ કાલાવડ-બાલંભડી રોડથી પુર્વ દિશામાં તેઓની જમીન સુધીનો આવેલ છે.

આ રસ્તો પ્રેમજી પરબતભાઈ ઠેસીયાની જમીન પાસેથી પસાર થયેલો છે જેમની સાથે  જુનુ મન દુઃખ ચાલતુ હોવાથી પ્રેમજી પરબતે તેમની જમીન પાસેથી નિકળતા રસ્તા ઉપર કાટમાળનો ઢગલો કરી પ્રેમજી રત્ના ફળદુ અને તેના કુટુંબીજનોને આ રસ્તેથી ચાલવામાં  અટકાયત કરેલ જયારે આ રસ્તાનો ઉપયોગ કરતા અન્ય ખેડુતોને પ્રેમજીભાઈ ઠેસીયાએ પોતાની ખેતીની જમીનની અંદરથી રસ્તો કાઢી આપી વ્યવસ્થા કરી આપેલ જેથી પ્રેમજી રત્ના ફળદુએ તેમની તથા તેમના કુટુંબીજનોની ખેતી જમીનના રસ્તામાં થયેલ અટકાયત દુર કરવા તથા રસ્તાના સુખાધિકાર અંગેની જરૂરી દાદ તેમજ મનાઈ હુકમ મેળવવા માટે શ્રી કાલાવડ પ્રિ. સિવીલ કોર્ટમાં દાવો કરેલ તથા  રસ્તામાં થયેલ અવરોધ તાત્કાલીક ખસેડાવી આપવા માટે વચગાળાનો આંજ્ઞાકિત મનાઈ હુકમ મેળવવા માટે અરજ ગુજારેલ. વાદીએ દાવામાં કોર્ટ કમીશ્નર મારફત પંચનામું કરાવેલ જેમાં કાલાવડ સર્કલ ઓફિસર દ્વારા રસ્તામાં થયેલ અવરોધ સબંધી રીપોર્ટ રજુ કરેલ.

નામ અદાલતે બન્ને પક્ષકારોના પક્ષ  નિવેદનો તેમજ રેકર્ડ પર રજુ થયેલ દસ્તાવેજી  પુરાવા, સોગંદનામાં અને કમીશ્નરશ્રીના રીપોર્ટનો સંપુર્ણ અભ્યાસ કરેલ તથા બન્ને પક્ષોની દલીલ સાંભળેલ જેમાં વાદી પ્રેમજી રત્ના ફળદુના વકીલ શ્રી દિપકભાઈ પંડયાએ રસ્તાના સુખાધિકારમાં થતી અટકાયત તાત્કાલીક દુર કરવી જોઈએ તેવી દલીલ કરી સમર્થનમાં નામ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરેલ જેને ધ્યાને લઈ કાલાવડના મ્હે.પ્રિ. સીવીલ જજશ્રી એસ.કે શર્માએ વાદી પ્રેમજી રત્ના ફળદુની આજ્ઞાંકિત હંગામી મનાઈ હુકમ મળવાની અરજી મંજુર કરેલ છે અને કમીશ્નરશ્રીના પંચનામામાં આ રસ્તા ઉપર રે.સ.નં.૧૩૦૧ની ઉત્તર દિશામાં જે કાટમાળનો ઢગલો દર્શાવેલ છે તે દિવસ-૧૦માં ખેસડી દુર કરવાનો પ્રતિવાદી પ્રેમજીભાઈ પરબતભાઈ ઠેસીયાને આજ્ઞાંકિત આદેશ ફરમાવેલ છે. અન્યથા ૧૦ દિવસ બાદ વાદીને આ કાટમાળ ખસેડતા અટકાવે નહી તથા આ રસ્તેથી વાદી અને તેના કુટુંબીજનોને જવા- આવવા, ખેતીના સાધનો, વાહનો લાવવા- લઈ જવામાં કોઈપણ અવરોધ કે અટકાયત કરે- કરાવે નહીં તેવો કામ ચલાઉ મનાઈ હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત દાવામાં પ્રેમજી રત્ના ફળદુ તરફથી સીનીયર એડવોકેટશ્રી દિપકભાઈ પંડયા, ભાવેશભાઈ પંડયા તથા યુવરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

(12:01 pm IST)