Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જીલ્લા પુરવઠા અધિકારી જે ૨૫ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા તે તમામ સામે સોમવારથી તપાસ કરવા આદેશો : જરૂર પડ્યે તમામ દુકાનનો માલ સીઝ કરાશે

રાજકોટમાં ઝડપાયેલ ૫૦ હજારના ઘઉં કૌભાંડમાં સાંજ સુધીમાં બે દુકાનદાર સામે આકરા પગલા : બંને દુકાનદાર સામે ટીડીએમ સહિતની તોળાતી કાર્યવાહી

રાજકોટ, તા. ૯ : અમદાવાદ સાયબર ક્રાઈમના રીપોર્ટ બાદ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાએ રાજકોટ અને જેતપુરના સસ્તા અનાજના એકી સાથે ૨૫ દુકાનદારોના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ પુરવઠાના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના બની છે. ડીએસઓએ લાયસન્સ સસ્પેન્સ અંગે કલેકટરને પણ રીપોર્ટ કરી દીધો છે. દરમિયાન આજે જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવળાએ જે ૨૫ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા તે તમામ સામે તપાસ હાથ ધરવા ઈન્સ્પેકટરોને આદેશ કરતા સોમવારથી આ તમામ દુકાનદારો સામે પુરવઠા ઈન્સ્પેકટર તલસાણીયા અને કીરીટસિંહ ઝાલા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થશે. તેમજ તે લોકોના નિવેદનો પણ લેવામાં આવશે તથા તેમના ચોપડા તપાસી જે જે પ્રકારની ગેરરીતિ બહાર આવી છે તે વિગતો જાણ્યા બાદ તમામ દુકાનમાં માલ સીઝ કરવા અંગે પણ કાર્યવાહી થશે. તેમ પુરવઠાના સૂત્રોએ જણાવ્યુ હતું.

દરમિયાન રાજકોટમાં ગઈકાલે જે ૫૦ હજારની કિંમતની રેશનીંગના ઘઉં ઝડપાયા તે અંગે આજે બીજા દિવસે પણ પુરવઠા ઈન્સ્પેકટરો પકડાયેલ નટુનું નિવેદન લેવા માટે દોડી ગયા છે.

પુરવઠાની તપાસમાં ગઈકાલે બે દુકાનદારોના નામ ખુલ્યા છે. બપોર સુધીમાં ત્યાં પણ દરોડા પાડી માલ સીઝ કરવા અંગેની કાર્યવાહી થનાર છે. બે ટીમો દ્વારા યાર્ડમાં અને જેમના નામ ખુલ્યા છે એ બે દુકાનદાર સામે સવારે ૧૧ વાગ્યાથી કાર્યવાહી શરૂ થઈ છે. બંને દુકાનદાર સામે સાંજ સુધીમાં કલેકટર તંત્ર દ્વારા ટીડીએમના પગલા લેવાય તેવી શકયતા ઉચ્ચ વર્તુળો દાખવી રહ્યા છે.

(11:50 am IST)