Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

થાનમાં ગોકળગાય ગતીએ ચાલતા ઓવરબ્રીજના કામથી શહેરને મેઇન ફાટકે ટ્રાફિકની સમસ્યા વકરી

૨૪ કલાકમાં ૫૦ થી વધુ વાર ફાટક બંધ રહેતા લોકોના સમય અને વાહનોના ઇંધણનો બગાડ : આસપાસના વિસ્તારના લોકોને વાયુ પ્રદુષણ અને ધ્વની પ્રદુષણની પરેશાન : ટ્રાફિક સમસ્યા નિવારવા ટ્રાફિક પોલીસ પોઇન્ટ મુકવા લોકમાંગ ઉઠી

વઢવાણ,તા. ૮: થાનગઢમાં ફાટક રોડે ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ફાટક ૨૪ કલાકમાં ૫૦ થી વધુ વખત બંધ રહેતુ હોવાથી વાહન ચાલકોના સમય અને ઇંધણનો બગાડ થાય છે.જયારે આસપાસની સોસાયટીના રહીશો વાયુપ્રદુષણઅને ધ્વની પ્રદુષણથી ત્રાહીમામ પોકરી ઉઠ્યા છે.જયારે આ વિસ્તારમાં ટ્રાફિક નિવારવા ટ્રાફિક પોઇન્ડ મુકવા લોકમાંગ ઉઠી છે.

થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ ચાલુ છે.પરંતુ અઢી વર્ષ જેટલો સમય થતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે.જેમાં આ ફાટકેથી દરરોજ ૨૪ કલાકમાં ૫૦થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.જયારે તેના કારણે લોકોના સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.જયારેતેનાથી થતા અવાજ અને વાયુ પ્રદુષણથી વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે.આ અંગે થાન કોંગ્રેસ મહામંત્રી મંગળુભાઇ ભગત, બાબુભાઇ પારદ્યી સહીતનાઓએ જણાવ્યુકે આ ફાટક પરથી ૮થી ૧૦ ગામોને જોડતો રોડ છે.જયારે અહીંથી હળવદ, ધ્રાંગધ્રા ,સરા આવવા જવા લોકો ઉપયોગમાં લેતા હોવાથી ટ્રાફીક રહે છે.જયારે આસપાસમાં ૧૦થી વધુ સોસાયટીઓ અને ૧૦૦થી વધુ સીરામીક કારખાનાના વાહનોની પણ અવર જવર રહે છે.આથી ઓવરબ્રીજનું કામ વહેલીતકે પુરૂ કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા અહીં ટ્રાફિક પોઇન્ટ મુકવા માંગ છે.

મેઇન બજાર સ્ટેશન રોડ ફાટકે ઓવરબ્રીજના ધીમા કામને લઇ ટ્રાફિક સમસ્યા રહે છે.

(9:57 am IST)