Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કચ્છમાં તેલના ટાંકાની સફાઇ કરતી વખતે ગુંગળાઇ જતા બે કામદારોના મોત

કચ્છમાં ફરી વળેલ કાળચક્ર : અકસ્માતમાં બે બાઈકસવારના મોતઃ પ્રૌઢ ખેડુતે જીવ દીધો : ડૂબી જતા બાળકીનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: કચ્છ જિલ્લામાં ફરી વળેલા કાળચક્રમાં ૬ના મોત નિપજયા હતા. ભચાઉના ચીરઈ મધ્યે આવેલ રાધે ટ્રેડિંગ કંપનીમાં તેલના ટાંકાની સફાઇ કરવા ઉતરેલા બે યુવાન કામદારો જગદીશ દાનાજી પ્રજાપતિ અને શંકર માધાજી પ્રજાપતિના ટાંકાની અંદર જ ગુંગળાઈ જવાથી મોત નિપજયા હતા. સુરક્ષાના સાધનોના અભાવના કારણે બંને હતભાગી કામદારોએ જીવ ખોયા હતા.

સ્કુટર અકસ્માતના બનેલા બે અલગ અલગ બનાવોમાં ગાંધીધામના મીઠીરોહર ગામ પાસે ટ્રેલરે હડફેટે લેતાં કિશોરસિંહ દિલુભા જાડેજાનું મોત નિપજયું હતું.

માંડવીના કોજાચોરા ગામ પાસે બાઈક સ્લીપ થતાં યુવાન બાઇકચાલક શામજી મેદ્યરાજ સંદ્યારનું મોત નિપજયું હતું. જયારે ભુજના પધ્ધર ગામે મિનરલ કંપનીના પાણીના ટાંકા પાસે રમતી પાંચ વર્ષીય બાળકી હિરલ મહેશ ભાભોર અકસ્માતે ડુબી જતાં તેનું અરેરાટીભર્યુ મોત નિપજયું હતું.

અન્ય બનાવમા ભચાઉના આંબરડી ગામે ૫૫ વર્ષીય પ્રૌઢ ખેડુત ભરત કેશવજી પટેલે જંતુનાશક દવા પી પોતાનો જીવ દઈ દીધો હતો. આપદ્યાતનું કારણ જાણવા મળ્યું નથી. તમામ બનાવોની પોલીસે અલગ અલગ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)