Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામનગરના હવાઇ ચોક વિસ્‍તારમાં આવેલુ 1001 શિવલિંગ ધરાવતુ હજારેશ્વર મંદિરનો અનેરો મહિમા

વિશ્વના જુજ મંદિરોમાં એક જ્‍યાં ભગવાન શિવના 1001 શિવલિંગ એક સાથે એક જ જગ્‍યાએ બિરાજમાન

જામનગરઃ જામનગરમાં હવાઇ ચોક વિસ્‍તારમાં આવેલ હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રખ્‍યાત છે. અહીંયા એક જ જગ્‍યાએ 1001 શિવલિંગ સ્‍થાપિત થયેલા છે. શ્રાવણ માસમાં અહીં ભક્‍તોની ખુબ જ ભીડ જોવા મળે છે. આ મંદિરનો મહિમા અપરંપાર છે.

જામનગર જિલ્લામાં અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો તેમજ મંદિરો આવેલા છે. જેથી જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલું સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પ્રાચીન હોવાની સાથે તેની ખાસિયત એ છે કે, તે વિશ્વના જૂજ શિવમંદિરોમાંનુ એક છે જ્યાં ભગવાન શિવના 1001 શિવલિંગ એકસાથે એક જ જગ્યાએ આવેલા છે. જે ગુજરાતનું એક માત્ર મંદિર છે. ઉપરાંત મંદિર ઘણું પ્રાચીન હોવાથી તેનું શ્રાવણ માસ નિમિત્તે ઘણું મહત્વ રહેલું છે અને ભક્તજનો ખૂબ આસ્થા અને માનતા સાથે આ મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડે છે.

જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલ સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર આવેલું છે. જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની પુજા વર્ષોથી એક પેઢીના જ પરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલ આ મંદિરની પુજા રસિલાબેન કિશોરચંદ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવે છે.

રસિલાબેન જણાવે છે કે, મંદિરમાં તમામ પ્રકારના વ્રત જેમ કે એવરત જીવરતનું વ્રત, ગૌરી વ્રત, મોરાકત, ફૂલકાજળીનું વ્રત જેવા વ્રતની વર્ષોથી પુજા કરાવવામાં આવે છે અને પૂજનના સમયે અહી 1000 જેટલી બાળાઓ-પરણીતાઓ આવે છે. મંદિરમાં રોજે ભક્તોની અવરજવર રહે છે. પરંતુ શ્રાવણ માસમાં અને તેમાં પણ શ્રાવણના સોમવારે અહી ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય છે.

સ્વામી ચિતાનંદજી મહારાજે અહીં 1001 શિવલિંગની સ્થાપના કરી છે. તે પાછળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. સ્વામી ચિતાનંદની મહારાજજી મેવાડા બ્રાહમણ હતા. 250 વર્ષ પૂર્વે તેઓ ભ્રમણ કરતાં કરતાં જામનગર આવી પહોંચ્યા અને જ્યાં અત્યારે મંદિર જે તે જગ્યા પર આવીને ભગવાન શંકરનું તપ કરવાનું વિચાર્યું. તેઓ હાથમાં શિવલિંગ ઊંચકીને ઊભા રહીને અન્ન-જળ વગર સતત 12 વર્ષ સુધી મહાદેવની આરાધના કરી અને તેની ભક્તિથી ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા અને ત્યારબાદ સ્વામી ચિતાનંદજીએ સૌ પ્રથમ ભૂતનાથ મહાદેવની લિંગની સ્થાપના કરી. ત્યારબાદ નાના મોટા 1000 શિવલિંગની સ્થાપના કરી.

આમ આ રીતે મંદિરમાં મહાદેવના 1001 શિવલિંગ આવેલા છે. ત્યારબાદ ત્યાં સ્વામી ચિતાનંદજી ઊભા કરીને હાથમાં શિવલિંગ સાથે મહાદેવની આરાધના કરી રહ્યા હોય તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.

તેઓએ આ જગ્યા પર ઊભા રહીને તપ કર્યું હોવાથી આ જગ્યાને તપોભૂમિ કહેવામા આવે છે. મંદિરમાં શિવલિંગ ઉપરાંત અન્નપૂર્ણા માતાજી, અંબેમાં અને મહાકાળીની મુર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. ભક્તો આસ્થા અને શ્રાદ્ધા સાથે અંહી મહાદેવની પુજા કરવા માટે આવે છે. અને એકસાથે 1001 શિવલિંગના દર્શન તો ભાગ્યે જ થાય. તેથી શ્રાવણ માસમાં આ મંદિરનું મહત્વ ખાસ ગણાય છે.

(6:09 pm IST)