Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કચ્છની અદાણી જી.કે. હોસ્પિટલમાં એક વર્ષમાં એક લાખ કોરોના ટેસ્ટ થયા: બબ્બે આરટીપીસીઆર લેબ કાર્યરત

જી.કે.માં છેલ્લા એક વર્ષમાં એક લાખ કોરોનાના નમૂના મેડી. કોલેજની માઇક્રો લેબમાં બબ્બે આર.ટી.પી.સી.આર. મશીન કાર્યરત:

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરાયા બાદ ટૂંક સમયમાં જ અહીં આર.ટીપી.સી.આર મશીન પ્રસ્‍થાપિત કરવામાં આવ્યું અને મેડિકલ કાઉન્સીલ ઇંડિયન રિસર્ચની ગાઇડલાઇન મુજબ કોરોના માટે સ્વેબનું પરિક્ષણ શરૂ કરવામાં આવ્યું અને એક વર્ષેના સમયગાળામાં એક લાખ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભુજ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજીના હેડ અને પ્રો. ડો. હિતેશ આસુદાનીએ કહ્યું કે, ગત મહિને કોરોના દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર દ્વારા બીજું વધુ એક આર.ટી.પી.સી.આર મશીન ફાળવવામાં આવતા હવે બબ્બે આવા મશીનો કાર્યરત છે અને ટેસ્ટની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

બીજું મશીન આવી જવાથી મોટાભાગે રોજેરોજના લેવાયેલા સ્વેબનું પરિક્ષણ કરી દેવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી ૨૪ કલાકમાં જ તેનો અહેવાલ પણ કરી દેવામાં આવે છે. જી.કે. ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાથી પણ આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવતા નમુનાઓની ચકાસણી કરવામાં આવે છે.

સ્વેબના પરિક્ષણ માટે જરૂર જણાય તો ૨૪ કલાક પણ કામ કરવામાં આવે છે. એક કરતાં વધુ પાળીમાં લેબ.ટેક.કામ કરી રહ્યા છે. અને જરૂર જણાય તો ત્રણ પાળીમાં પણ માઇક્રોબાયોલોજી વિભાગ સુસજ્જ છે.

ચકાસણીના આ કામ માટે સ્થાનિક જી.કે. હોસ્પિટલ તથા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના માનવબળથી કામગીરી કરવામાં આવી રહી છે.

(5:39 pm IST)