Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આમરણમાં ૧૦ દબાણો ખુલ્લા કરવા હુકમ

સરકારી ખરાબાની જમીન ઉપર કેબીનો-ઓટલા-થાંભલા-પાકી દુકાનો બનાવી લેવાઇઃ ખળભળાટ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૮ :.. આમરણ ખાતેથી પસાર થતા જામનગર - કચ્છ કોસ્ટલ હાઇવેની લગોલગ આવેલ સરવે નં. ૮૪૦ પૈકીની સરકારી ખરાબાની કિંમતી જમીન પર ૧૬ જેટલા ધંધાર્થીઓ દ્વારા પાકા બાંધકામવાળુ કરવામાં આવેલ દબાણ સંદર્ભે થયેલ ફરીયાદ અન્વયે લાંબી તપાસને અંતે હાલ ૧૦ ધંધાર્થીઓના દબાણો ખુલ્લા  કરવા મોરબી તાલુકા મામલતદાર અને એકઝી. મેજી. ડી. જે. જાડેજા દ્વારા હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જયારે અન્ય ૬ આસામીઓ સામેનો દબાણ કેસ અવાચ્ય આધાર પુરાવાને કારણે વિશેષ ખરાઇ જરૂરી હોવાથી હાલ સવાલવાળી જમીનનું દબાણ સાબિત માળવામાં આવ્યું નથી. કુલ ૧૬ પૈકીના ૧૦ અનધિકૃત દબાણકારો કોઇ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા સર્કલ ઓફીસર મોરબી તેમજ મહેસુલ તલાટી મંત્રી આમરણને દબાણ ખુલ્લા કરાવવાનો આદેશ કરાયો છે. તેમજ કરપાત્ર દંડ વસુલવા હુકમ કરાયો છે.

મોરબી મામલતદારશ્રીના હુકમમાં જણાવાયા મુજબ સર્કલ ઓફીસર મોરબી વિરૂધ્ધ ક્રમ નં. ૧ થી ૧૦ મુજબના (૧) વસંતભાઇ આંબાભાઇ ભાલોડીયા દ્વારા અંદાજીત ૧પ૦ ચો. મી. જમીનમાં મંડપ સરવીસના સામાન મુસામિયા બુખારી દ્વારા અંદાજીત ૧પ૦ ચો. મી. જમીનમાં ભંગારનો ડેલો તથા બાંધકામ વાળી દુકાન (૩) હનીફ મામદ પિંજારા દ્વારા ૬૦ ચો. મી. જમીન પરની પાનની દુકાન (૪) અફજલમીંયા બાકરમીંયા બુખારી દ્વારા ૪૦ ચો. મી. જમીનમાં ચા ની હોટલ (પ) નાથાલાલ મગનલાલ કાસુન્દ્રા દ્વારા ર૦ ચો. મી. જમીનમાં બે સિમેન્ટ થાંભલા અને ઓટલો (૬) ઇસ્માઇલ સલેમાન સોલંકી દ્વારા ૧૦ ચો. મી. જમીનમાં કેબીન (૭) પરેશ બાબુલાલ ચાવડા દ્વારા ૧૦ ચો. મી. માં કેબીન (૮) છગનભાઇ બચુભાઇ વાઘડીયા દ્વારા અંદાજીત ૪૦ ચો. મી. જમીન પર ચા ની કીટલી (૯) ગહોશભાઇ જાદવજીભાઇ અઘારા દ્વારા અંદાજીત ૪૦ ચો. મી. જમીન પર પાન-મસાલાની દુકાન (૧૦) ગોરધનભાઇ દેવજીભાઇ ભાલોડીયા દ્વારા ૪૦ ચો. મી. જમીન પર પાન - મસાલાની કેબીન વગેરે તમામ રહે. આમરણવાળા આધાર પુરાવા રજુ નહિ કરી શકતા દબાણો ખુલ્લા કરવા હુકમ કરેલ છે.

જયારે ક્રમ નં. ૧૧ થી ૧૬ ના દબાણકર્તા વિરૂધ્ધ જાગૃત નાગરીક કાંતિલાલ રામજીભાઇ કાસુન્દ્રાએ હાઇકોર્ટમાં રીટ પીટીશન નં. ૧૧૧-ર૦૧પ દાખલ કરેલી હોય ક્રમ નં. (૧૧) શાંતિલાલ મગનભાઇ કાસુન્દ્રા (૧ર) કાંતાબેન શાંતિલાલ કાસુન્દ્રા (૧૩) શારદાબેન શાંતિલાલ કાસુન્દ્રા (૧૪) સંજયભાઇ શાંતિલાલ કાસુન્દ્રા (૧પ) શામજીભાઇ મગનભાઇ કાસુન્દ્રા (૧૬) જયેશભાઇ શામજીભાઇ કાસુન્દ્રા વગેરેએ દબાણ કરેલ ૯૬-૯૯.૧૧ ચો. મી. જેટલી જમીનની ખરાઇ કરાવતા  આમરણ ગામનો મોરબી જિલ્લામાં સમાવેશ થયા પહેલાનો નાયબ કલેકટર જામનગરનો તા. ૯-૭-૧૯૮૪ થી હુકમ મુજબ મુળ કબ્જેદાર ભગવાનજીભાઇ મોહનભાઇ ડાંગરના નામે દબાણ નિયમિતનો હુકમ કરવામાં આવેલ. જે હાલના આસામી શામજીભાઇ મગનભાઇ કાસુન્દ્રાની તરફેણમાં સવાલ વાળી જમીન મુખત્યારનામાથી કરી મુદતે ભાડાથી અપાયેલ છે. દબાણ નિયમિતનો હુકમ અવાચ્ય હોઇ હાલ આ સવાલવાળી જમીનનું દબાણ સાબીત માનવામાં આવતું નથી. તેવું આદેશ દ્વારા જણાવાયું છે.

(12:12 pm IST)