Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મોરબી દુષ્કર્મ કેસમાં આરોપીને કડક સજા કરો :મોરબી-માળિયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિએ માંગ કરી.

આધેડ વયના મહિલા સફાઈ કર્મચારીનું બે શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત

મોરબીમાં આધેડ વયના સફાઈ કર્મચારીનું બે શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ અંગે મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિના સભ્યો દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા આપવા તથા જરૂર પડીએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની માંગ કરી હતી.
આ અંગે અંગે મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિના પ્રમુખ રામજીભાઈ માલાભાઈ ધાવડાની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં આશરે પાંચ દિવસ પહેલા આધેડ વયના મહિલા સફાઈ કર્મચારી સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું હતું. તેને મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિ વખોડી કાઢે છે. આ ગંભીર અપરાધના બનાવવામાં આરોપીની ધરપકડ થઈ ગયેલ છે તેને સખતમાં સખત સજા થાય અને આવા આવારા તત્વોને સબક મળે તેવી માંગ મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંબંધિત તંત્ર અને સરકાર વહેલામાં વહેલી તકે આ કેસનો નિકાલ કરે તે આવશ્યક છે અને એ માટે મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિ સફાઈકર્મી પીડિતાની સાથે છે અને કોઈપણ સમયે કોઈ પણ પ્રકારની આવશ્યકતા ઉત્પન્ન થશે તો તેઓ મહિલાનો સાથ આપશે તથા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ લઈ જવા માટેની તૈયારી દર્શાવશે તેવું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિઓ પર વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે. જેથી સમાજ,તંત્ર અને સરકારે આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું મોરબી-માળિયા-ટંકારા-તાલુકા વણકર સમાજ સેવા સમિતિના પ્રમુખ રામજીભાઈ માલાભાઈ ધાવડાએ જણાવ્યું હતું.

(10:26 pm IST)