Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ભાવનગરમાં બેટના ઘા ઝીંકી યુવકની હત્‍યા

બગીચાના કામમાં સિમેન્‍ટ - કોંક્રીટ મિકસર વાહન લઇને ગયેલા ચાલક ઉપર શખ્‍સે વિનાકારણ હુમલો કરતા યુવકનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ : ભરતનગર વિસ્‍તારમાં ચકતા મહાનગરપાલિકાના બગીચાના કામ સ્‍થળે મિક્‍સર વાહન લઈને ગયેલા ચાલક ઉપર શખ્‍સે બેટ વડે હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર જૂના પોલીસ સ્‍ટેશન સામે ભવાની માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકાની માલિકીની જગ્‍યામાં બગીચાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગાર્ડનનો કોન્‍ટ્રાક્‍ટર રાખનાર ભવાની કંટ્રક્‍શનના રાહુલભાઈ ભીખાભાઈ ચાડ (ઉ.વ.૨૮, રહે, વિશ્વકર્મા સોસાયટી, પ્‍લોટ નં.૪૧/બી)એ સીમેન્‍ટ-કોક્રિંટ મિક્‍સરનું એજેક્‍સ ફલોરી વાહન નં.જીજે.૦૪.સીએફ.૦૯૨૦ લઈ ડ્રાઈવર મુકેશભાઈ મનુભાઈ ગુજરિયા (ઉ.વ.૨૨ ) રહે, ચાચબંદર, તા.રાજુલાને સવારથી સાઈટ પર મોકલ્‍યા હતા. સાઈટ પર આખો દિવસ કામ શરૂ હોવાથી ડ્રાઈવર યુવાન મુકેશભાઈ ગુજરિયા ત્‍યાં હાજર હતા, દરમિયાનમાં જીગ્નેશ નામનો એક શખ્‍સ ક્રિકેટ બેટ લઈને આવ્‍યો હતો અને કોઈપણ કારણ વિના મુકેશભાઈને માથાના પાછળના ભાગે બેટના ઘા ફટકારી દેતા માથા અને મોઢાના ભાગે લોહિયાળ ઈજા પહોંચતાં તેમને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે પ્રથમ સરકારી અને ત્‍યારબાદ મેરૂ નર્સીંગ હોમમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

આ બનાવ અંગે રાહુલભાઈ ચાડે જીગ્નેશ નામના શખ્‍સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)