Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ઉપલેટાના સાતવડી ગામે વેલ લેવા હેલિકોપ્‍ટર આવ્‍યું

ક્ષત્રિય વાળા પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો

ઉપલેટા, તા.૭: તાલુકાના સાતવડી ગામે લગ્ન પ્રસંગમાં વેલ લેવા માટે હેલીકૉપ્‍ટર આવ્‍યુ હોવાનુ સૌપ્રથમ વખત જોવા મળ્‍યું હતું. ક્ષત્રિય રાજપુત વાળા પરિવારમાં દીકરીબાનો લગ્ન પ્રસંગ હતો.  લગ્ન પ્રસંગમાં વેલ ભાવનગરના અલંગ ગામેથી હેલિકોપ્‍ટરમાં આવી હોવાનો ઉપલેટા કે આસપાસના તાલુકાઓમાં ઈતિહાસ બન્‍યો હતો. સાતવડી ગામમા વેલ લેવા હેલિકોપ્‍ટર આવતા ગામલોકોમાં ખુશી જોવા મળી હતી અને મોટી સંખ્‍યામાં સ્‍થાનિકો અને આસપાસના વિસ્‍તારના લોકો  હેલિકોપ્‍ટર જોવા માટે ઉમટી પડ્‍યા હતા.

આધુનિકતા પ્રમાણે પહેલાના સમયમાં ગાડામાં વેલ આવતી હતી. સમયાંતરે ફેરફાર થતા હોય જેને લઈને આ આધુનિક સમય પ્રમાણે હેલિકોપ્‍ટર આવ્‍યુ હતુ. કહેવાય છે કે ક્ષત્રિય રાજપૂત સમાજમાં દીકરીબાના લગ્ન પ્રસંગમાં વેલ (ખાંડુ) લેવા માટે વરરાજો ના આવે પરંતુ તેમની તલવાર મોકલે છે અને કન્‍યા તલવાર સાથે સાસરિયે જાય છે તેને વેલ (ખાંડુ) કહેવાય છે. ક્ષત્રિય સમાજની પરંપરાગત મુજબ પછી સાસરિયામાં કન્‍યા એ તલવાર સાથે ચોળીના ત્રણ ફેરા ફરે છે અને ચોથો ફેરો વરરાજા સાથે ફરે છે. આવો રૂડો અવસર કે જેમના પરિવારમાં હોય તેવા સાતવડી ગામના મુળુભા જીલુભા વાળા, સ્‍વ. બટુકસિંહ જીલુભા વાળા, મજબૂતસિંહ જીલુભા વાળાના પરિવારમાં અનિલસિંહ બટુકસિંહ વાળાના દીકરીબાના લગ્ન હોય જેઓની વેલ ભાવનગરના અલંગથી સ્‍વ.પી. ડી. ગોહિલના પરિવાર તરફથી હેલિકોપ્‍ટરમાં લેવા માટે આવેલ હોય જેનો સમસ્‍ત સાતવડી ગામ તેમજ આજુબાજુના ગામ લોકોએ હર્ષભેર પ્રસંગ માણ્‍યો હતો દીકરીબાના ભાઈ વિજયસિંહ વાળાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

(12:04 pm IST)