Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ચીનથી આયાત થતા 'મચ્છરમાર રેકેટ'ની આયાતમાં અન્ડર ઇન્વોઇસીંગનું જબ્બર કૌભાંડ

મોરબી કલોક મેેન્યુફેકચરીંગ એલાયન્સ દ્વારા ખળભળાટ મચાવતો અહેવાલ જાહેર કરતા જયસુખભાઇ પટેલ (ઓરેવા) : ભારતીય બનાવટના મોસ્કીટો કીલર રેકેટ કયારેય વેચી શકાય નહિ તેવો કારસોઃ સરકારને અબજોનું જંગી નુકશાન : રેકેટની પ્રાઇસ રૂ.૧૧૫ રાખવા તથા તેની આયાત ઉપર પ્રતિબંધ મુકવા માંગણી

રાજકોટઃ 'મેઇક ઇન મોરબી'ના  સુત્ર સાથે મોરબીના ઉદ્યોગોની એકતા માટે આગળ આવેલ મોરબી કલોક મેન્યુફેકચરીંગ એલાયન્સ અને ઓરેવાના મોભી શ્રી જયસુખભાઇ પટેલે (મો.૯૮૨૫૦ ૩૦૩૪૬-૮૯૮૦૦૦૮૮૧૬- મેઇલ jop@oreva.com)  જણાવ્યુ છે કે ચાઇનાથી આયાત થઇ રહેલ મોસ્કોવીટો કીલરનું મોટુ રેકેટ ચાલી રહયું છે. કસ્ટમ્સ ડયુટી અને આઇજીએસટીમાં કર છુપાવીને, અન્ડર ઇન્વોઇસીંગ દ્વારા લાખો-કરોડો આવા મોસ્કોવીટો કીલર રેકેટની આયાત થઇ રહી છે.

જયસુખભાઇએ કહ્યું છે કે કસ્ટમ્સ ડયુટી અને આઇજીએસટીની ગણત્રી માટે આવા પ્રતિ એક મોસ્કવીટો કીલર રેકેટની કિંમત કેન્દ્ર સરકારે રૂ.૧૧૫ ફીક્ષ કરવી જોઇએ અથવા તો તેની આયાત ઉપર બાન મુકવો જોઇએ.

શ્રી પટેલે જણાવે છે કે નરેન્દ્રભાઇ આત્મનિર્ભર ભારત એલાન અન્વયે ૨૦૦ જેટલા નાના-મોટા  ઉદ્યોગપતિઓએ 'મોરબી કલોક મેન્યુફેકચરર્સ એલાયન્સ' ની સ્થાપના કરી 'મેઇક ઇન મોરબી'નો પ્રારંભ કર્યો છે.

આ જોડાણે એક નાની પ્રોડકટ 'મોસ્કવીટો કીલર રેકેટ'નું ઉત્પાદન શરૂ કર્યું છે ત્યારે મોરબી કલોક મેન્યુફેકચરીંગ એલાયન્સને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડેલ છે. ચીનથી આયાત થતા આ 'મચ્છરમાર રેકેટ'ની આયાતમાં 'અંડર-ઇન્વોઇસીંગ' (ઓછી રકમના બીલ બનાવવા) ની સમસ્યા ઘેરી વળી છે.

હાલમાં ચીનથી ૩૦૦ લાખ જેટલા મોસ્કવીટો કીલર રેકેટની આયાત થઇ છે. કારણ કે ભારતમાં તેના એકપણ ઉત્પાદક નથી.

અલીબાબા ડોટ.કોમ, મેઇડ ઇન ચાઇના ડોટ કોમ અને ગ્લોબલ સોર્સીઝ ડોટ કોમ જેવી વેબસાઇટ જોઇએ તો ચીનમાં આવા ૧ રેકેટનો ભાવ પ્રતિ નંગદીઠ રૂ.૧૧૫ છે પરંતુ આ રેકેટો ભારતમાં અન્ડર ઇન્વોઇસીંગ (દા.ત. પ્રતિ રેકેટના માત્ર રૂ.૪૦ બીલમાં દર્શાવી ને) ની ખતરનાક ગેરકાનુની ટેકટીકસનો ઉપાય અજમાવી  આયાત કરવામાં આવી રહયા છે.

તેમણે દર્શાવ્યુ છે કે ચીનથી ખોટા-ઓછા બીલ દ્વારા રૂ.૪૦ પ્રતિ રેકેટ કિંમત દર્શાવાય છે, તેના ઉપર ૧૭ રૂ. કસ્ટમ્સ ડયુટી, હવાલા દ્વારા ચીનના ઓપરેટરોને ૭૫ ચુકવાય છે (૧૧૫ માંથી ૪૦ રૂ. બાદ કરતા) આમ આ રેકેટ કસ્ટમ્સ - આઇજીએસટી લગાવ્યા બાદ રૂ.૧૩૨ થાય છે.

જયારે ભારતમાં એકસ ફેકટરી ૧ રેકેટનો ભાવ (નફો ઉમેર્યા બાદ) રૂ.૧૩૦ થાય, તેના ઉપર ૧૮ % જીએસટી લગાવતા, ૧૫૪ રૂ. પ્રતિ રેકેટ ભારતમાં થાય છે.

આમ ભારતીય બનાવટમાં એક મોસ્કવીટો રેકેટની કિંમત ચીનના રેકેટથી (અન્ડર ઇન્વોઇસીંગ કરીને ઘુસાડેલા) ૨૨ રૂ. વધુ થાય છે.

ગેરકાયદે આયાત થયેલ આવા રેકેટની લેન્ડીંગ કોસ્ટ રૂ.૧૩૨ પ્રતિ રેકેટની થાય છે. ભારતીય-મોરબી બનાવટના રેકેટની રૂ.૧૫૪ ની કિંમતથી ખુબ ઓછી હોય છે.

ખુદ ચીનમાં આવા ૧ રેકેટની એફઓબી કિંમત ૧૧૫ છે, કારણ કે ચીનમાં નિકાસ કરનારને ૧૫ ટકાનું પ્રોત્સાહન ઇન્સેન્ટીવ અપાય છે. જે પ્રતિ રેકેટ રૂ.૧૭ થાય છે.

શ્રી જયસુખભાઇ પટેલ કહે છે કે આ સંજોગોમાં કેન્દ્ર સરકાર કાંતો કસ્ટમ્સ ડયુટી  આઇજી એસટીની ગણત્રી માટે પ્રતિ રેકેટની કિંમત રૂ.૧૧૫ નકકી કરે અથવા તો આયાત ઉપર પ્રતિબંધ લાદી દયે.

કસ્ટમ્સ ડયુટી અને જીએસટીમાં આ અન્ડર ઇન્વોસીંગને લીધે ૨૩૨ કરોડનું જંગી નુકશાન સરકારને જાય છે. તે અટકાવવુ જ જોઇએ.

(3:25 pm IST)