Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જામનગરમાં કલસ્ટર ખાલી હોવા છતા સિનિયોરીટીમાં અન્યાય થતા ન્યાયની માંગણી

દિપશીખા જયંતીલાલ બદીયાણીની જીલ્લા શિક્ષણાધીકારી-જીલ્લા પ્રોજેકટ કોઓર્ડીનેટર સહીતનાને રજુઆત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૭: જામનગરના બાપા સીતારામ શેરી, ર-પટેલ વાડી, ટીબી હોસ્પીટલ પાછળ રહેતા બદીયાણી દિપશીખા જયંતીલાલ (આઇઇડીએસએસ વિશિષ્ટ શિક્ષક-એચ.આઇ.)એ જીલ્લા શિક્ષણાધીકારી શ્રી તથા જીલ્લા પ્રોજેકટ કોઓર્ડીનેટરશ્રીને પત્ર પાઠવીને સિનીયોરીટીમાં અન્યાય થવા તેમજ જામનગરમાં કલસ્ટર ખાલી હોવા છતા ન આપવા મુદ્દે અન્યાય થતા ન્યાય આપવા માંગણી કરી છે.

દિપશીખાબેન બદીયાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે આઇઇડીએસએસ વિશિષ્ટ શિક્ષક એચ.આઇ તરીકે મારી નિમણુંક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં ૭/૯/૨૦૦૫ા રોજ થયેલ છે. ત્યાર બાદ માંગણીથી ૩/૮/૨૦૧૮ ના પત્ર ક્રમાંક જશભ / આઇઇડીએસએસ/૨૦૧૮-૧૯/૩ર૮૪-૮૮ થી મારી માતૃ સંસ્થાના જિલ્લામાં એટલે કે જામનગર જીલ્લામાં ફેર બદલી કરવામાં આવી. જેની નોંધ સર્વિસ બુકમાં કરેલ છે. બંન્ને કચેરી આદેશ જામનગર ડાયટના પ્રાચાર્યશ્રી દ્વારા જામનગર જિલ્લાના જ છે.

સી/એસસીએ/૩૩/૨૦૦૫  રર/૦૩/ ૨૦૧૩ના હાઇકોર્ટના ચુકાદા મુજબ આઇઇડીએસએસના વિીશષ્ટ શિક્ષકોને ગુજરાત રાજયની અનુદાનીત શાળાઓના અન્ય વિષયના સામાન્ય શિક્ષકોને મળતા પગાર ભથ્થા સહીતના લાભો આપવામાં આવેલ છે તેમજ ચુકાદના પાના નં. પ૮ પેરેગ્રાફ નં. ર૩ માં સ્પષ્ટ સિનીયોરીટોનો ઉલ્લેખ કરેલ છે તા. રપ/૯/૨૦૧૮ના ઠરાવમાં પણ જણાવેલ છે.

તારીખ ૩/૭/૨૦૨૦ના જામનગર જિલ્લાના કલસ્ટર ફાળવણી  કેમ્પમાં મારી સિનીયોરીટી ઝીરો કરવામાં આવી જે અંગે મેં કેમ્પમાં વાંધા અરજી, મૌખીક રજુઆત અને ત્રણેક અરજીઓ કરેલ છે પણ મને આ બાબતે આજ દિન સુધી કોઇ સંતોષકારક જવાબ મળેલ નથી. સિનીયોરીટીમાં અન્યાય થતા મને મારા ઘરથી આશરે એકસો પંદર (૧૧પ) કિલોમીટર દુર જામજોધપુર તાલુકાના તા.શા.તરસાઇ કલસ્ટર પરાણે સોંપવામાં આવેલ છે. જે  મેંના છુટકે વાંધા સાથે સ્વીકારેલ છે.

તા.૯-૭-ર૦ર૦થી હું હેરાન પરેશાન છું મારે પિતા અને ભાઇ નથી અને ૭૦ વર્ષીય બીમાર માતુશ્રી છે જે સંપુર્ણ પણે મારા પર આશ્રીત છે. જામનગર શહેરમાં કલસ્ટર ખાલી હોવા છતા મને જામનગર શહેરનું કલસ્ટર શા કારણે આપવામાં આવતુ નથી? જયારે મારી જ સાથે કરાર આધારીત સ્પેશ્યલ એજુકેટર (પુરૂષ) જગદીશભાઇ રસીકલાલ મહેતાની બદલી ર૮-૧૦-ર૦ર૦ના જામજોધપુરથી જામનગર શહેરમાં થઇ ગઇ છે. જયારે હું એક કુમારીકા હોવા છતા મારા પ્રત્યે માનવીય અભિગમ દાખવવામાં આવેલ નથી.

આખા ગુજરાત રાજયની અંદર સમાવિષ્ટ આઇઇડીએસએસના વિશિષ્ટ શિક્ષકોનો કલસ્ટર ફાળવણી કેમ્પમાં કોઇ જ સ્ત્રી શિક્ષિકાની સિનિયોરીટી ઝીરો (૦) કરવામાં આવેલ નથી. જુનાગઢ જિલ્લાના વિશિષ્ટ શિક્ષકની ફાળવણી રાજકોટ જિલ્લામાં થઇ હોવા છતાં સિનિયોરીટી નિમણુક તારીખથી ગણવામાં આવેલ છે તેમજ બોટાદ જિલ્લાના વિશિષ્ટ શિક્ષકને નિમણુંક ભાવનગર જિલ્લામાં થઇ પણ સિનિયોરીટી નિમણુંક તારીખ જ ગણવામાં આવેલ છે. પાટણ અને મહેસાણા જિલ્લાના વિશિષ્ટ શિક્ષકોનો પણ સિનિયોરીટી નિમણુંક તારીખથી જ ગણવામાં આવેલ છે. તો મારી સિનિયોરીટી ઝીરો શા કારણે કરવામાં આવી ?

આ પત્ર મારફતે સિનિયોરીટી બાબતે ખુલાસો કરવા તેમજ જામનગર શહેરનું કલસ્ટર આપવા માટે આ સાથે નમ્ર અરજ કરીએ છીએ અને અમો અમારી સિનિયોરીટી બાબતે અન્યાય થઇ રહ્યો છે. અને હકદાર હોય તો આપ સાહેબશ્રી આ અંગે અમોને દિવસ ૧પમાં યોગ્ય ન્યાય સાથે ખુલાસો કરી આપશો અન્યથા અમારે નાછુટકે આ અંગે કાનૂની રાહે ન્યાય માટે કોર્ટનું શરણુ લેવું પડશે. તેવી ચિમકી દિપશીખાબેન બદીયાણીએ આપી છે.

(12:38 pm IST)