Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગોંડલમાં ક્રિકેટમેચ ઉપર સટ્ટો રમાડતો પાર્થ રાજયગુરૂ પકડાયો : એલસીબીનો દરોડો

પાર્થ મહી નામના શખ્સ પાસેથી લોગીન આઇડી પાસવર્ડ મેળવી સટ્ટો રમાડતો'તો : ત્રણ મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. ૭ : ગોંડલમાં ગુંદાળા દરવાજા પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા વિપ્ર શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા દરવાજા પાસે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની વાતમી મળતા પીઆઇ એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કો. રવિદેવભાઇ બારડ સહિતના સ્ટાફે દરોડો પાડી ક્રિકેટમેચ ઉપર સટ્ટો રમાડતા પાર્થ ઉર્ફે ભોલુ કનકરાય રાજયગુરૂ રે. યોગીનગર શેરી નં. ૧ર/પ ગોંડલને રોકડા રૂ.૧૦પ૦ તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. ર૧૦પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ પાર્થ ઉર્ફે ભોલુએ ગોંડલના મહી નામના શખ્સ પાસેથી ડાયમંડએક્ષ નામની વેબસાઇટનું લોગીન આઇડી પાસવર્ડ મેળવી આ આઇડી દ્વારા ચાલુ ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડાયેલ પાર્થ ઉર્ફે ભોલુને ગોંડલ પોલીસના હવાલે કરી મહી નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(11:43 am IST)