Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લાલપુરના ભુગર્ભ ગટર પ્રકરણમાં ૩૮ અધિકારીઓને નોટીસ ફટકારતા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૭: રાજય સરકારના ગંદા પાણીના નિકાલ માટે મહત્વના રૂબન પ્રોજેકટ હેઠળ જામનગર જિલ્લાના લાલપુર ખાતે કરોડો રૂપિયાના ભૂગર્ભ ગટરના પ્રોજેકટમાં અંતે પ્રજાને સંતોષકારક કામગીરી ન જણાતા આ ભૂગર્ભ ગટરના પ્રોજેકટમાં ખામીઓ રહી જતાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિગતવાર ફરિયાદ કરીને વીજલન્સ તપાસની માંગણીથી માંડીને હાઇકોર્ટમાં ઢસડી જવાની ચીમકીના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કમિટી બનાવ્યા બાદ કાર્યપાલક ઈજેનર સહિત ૩૮ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફાટકારીને કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે.

લાલપુર ગામે આ વર્ષ ૨૦૧૩ માં મંજુર થયેલ અને ૨૦૧૯ માં પુરી થયેલી ભૂગર્ભ ગટરના મૂળભૂત રીતે રૂ.૧૩.૫૯ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવાની યોજના રૂ.૨૭.૧૨ કરોડના ખર્ચે પુરી થયા બાદ આ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને જામજોધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ લોકોની ફરિયાદ પરથી ગત વર્ષે સખ્યાંબંધ આધારો સાથે રજુઆત કરીને વિજલન્સ તપાસ સહિત પગલાં ભરવાની માંગણી કરી હતી.

ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ડો.વીપીન ગર્ગે બાંધકામ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર પરમાર સહીત બે ડેપ્યુટી ડી.ડી.ઓ સહિત ચાર અધિકારીની ટીમને તપાસ સોંપવામાં આવ્યા બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા સ્ફોટક અહેવાલ સાથે આરોપો અંગે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેમાં આ પ્રોજેકટ દરમિયાન ફરજ બજાવી ચૂકેલા પાંચ કાર્યપાલક ઈજનેરો, ૪ નાયબ કાર્યપાલક ઈજનેરો, ૩ આંતરિક અન્વયેષકો , પાંચ એકાઉન્ટ વિભાગના સીનીયર કલાર્ક,જામજોધપુરના બે સેકશન અધિકારીઓ, ૬ વિભાગીય હિસાબનીશ પંચાયત હસ્તકના કર્મચારીઓને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવતાં જિલ્લા પંચાયત કર્મચારી વર્તુળમાં સોપો પડી ગયો છે.

(11:38 am IST)