Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળી તહેવારો પહેલા ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટયા : વાહનોની લાઇનો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૭ : દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલા ધોરાજી માર્કેટીંગ યાર્ડની બહાર મગફળી વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી જોવા મળી હતી.

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે ખેડૂતોની ફરી કતારો જોવા મળી હતી બે દિવસ પહેલા ખેડૂતો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નહોતા આવતા અને ડાયરેકટ વેપારીઓને વેચતા હતા પરંતુ ફરી ભાવ ગગડતા ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તે જગ્યાએ ધોરાજી માર્કેટ યાર્ડમાં વેચવા માટે કાલે રાતથી જ વાહનોની કતાર જોવા મળી હતી અને હાલમાં ખેડૂતો મોટીસંખ્યામાં મગફળી ભરીને પોતાના વાહનોમાં લાઈનમાં ઊભા રહી ગયા છે

જે અંગે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં -ખરીદ વેચાણ અધિકારી વી કે લહેરૂનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો આવ્યા છે.

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી છ હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ ચુકી છે.

ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા ૮૦૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે હાલમાં શાંતિપૂર્ણ રીતે ખેડૂતોની મગફળી લેવાઇ રહી છે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

મગફળી ખરીદી દરમિયાન ધોરાજી મામલતદાર નાયબ મામલતદાર અને ડેપ્યુટી કલેકટર તથા પોલીસ સ્ટાફ ખરીદી પ્રક્રિયા સ્થળ ઉપર નજર રાખી રહ્યા છે તેમજ સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોના ના ફેલાય તે માટે માસ અને સેનીટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે.

(10:42 am IST)