Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્ની ઉપર હુમલો

હું કકન રબારી, ગાંધીગ્રામવાળો છું કહીને હુમલો : કોન્સ્ટેબલ પત્ની સાથે જમી રહ્યો હતો ત્યારે ચાર લોકોએ કાંકરીચાળો કર્યો, કોન્સ્ટેબલ સમજાવવા જતાં માર માર્યો

જૂનાગઢ,તા.૬ :શહેરમાં સી ડિવિઝન પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયાનો બનાવ નોંધાયો છે. પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે એલ.આર.ડી જવાન તેની પત્ની સાથે હોટલમાં જમી રહ્યો હતો ત્યારે ચાર શખ્સોએ પહેલા કાંકરીચાળો કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મી તમામને સમજાવવા જતાં ચારેયએ ફરિયાદી અને તેની પત્નીને મૂંઢમાર માર્યો હતો. આ મામલે પીયૂષભાઈ જાદવભાઈ ચાંડેરાએ ફરિયાદ આપી છે કે તેઓ જૂનાગઢના બીલખા રોડ ખાતે પોલીસ લાઇનમાં પત્ની કાજલ સાથે રહે છે. ગત તારીખ ૦૪-૧૧-૨૦૨૦ના રોજ તેઓ રાત્રે પોણા અગિયાર વાગ્યે પત્ની સાથે બાઉદીન કોલેજ સામે આવેલી કિંગ એન્ડ ક્વીન હોટલમાં જમવા માટે ગયા હતા. અહીં તેઓ ખુલ્લામાં ટેબલ પર જમવા માટે બેઠા હતા. આ દરમિયાન તેમના પત્ની પર ઉપરથી કોઈએ કાંકરી ફેંકી હતી. જે બાદમાં ઉપર તપાસ કરતા બે લોકો ત્યાં ઊભા હતા.

                  ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, હું કાંકરી ફેંકનાર લોકોને સમજાવવા ગયો ત્યારે ત્યાં ઉપર ચાર લોકો ઊભા હતા. મેં જ્યારે પૂછ્યું કે મારી પત્ની ઉપર કોણ કાંકરી ફેંકતા હતા ત્યારે તેમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હું કકન રબારી, ગ્રાંધીગ્રામવાળો છું. અમે જ કાંકરા ફેંક્યા હતા. મેં જ્યારે મારી ઓળખ પોલીસકર્મી તરીકે આપી ત્યારે કકને કહ્યું હતું કે તારા જેવા અનેક પોલીસવાળા આવ્યા અને ગયા. જે બાદમાં કકને મને મનફાવે તેવી ગાળો ભાંડી હતી. બાદમાં કકને મારું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરતા મેં બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન કકન સાથે રહેલા અન્ય લોકોએ મને ઝાપટો મારી હતી. જે બાદમાં મારા પત્ની દોડી આવતા તેમને ગંદી ગાળો બોલીને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં હોટલના કર્મીઓને પણ માર માર્યો હતો. આ દરમિયાન નીચે માણસો ભેગા થઈ ગયા હોવાથી કકન અને અન્ય ત્રણ લોકો મને ધમકી આપીને ભાગી ગયા હતા. કકને જતાં જતાં કહ્યું હતું કે આજે તને જવા દઈએ છીએ પરંતુ બીજી વખત મળીશ તો જીવથી મારી નાખીશ. ફરિયાદ પ્રમાણે તે નોકરી દરમિયાન આરોપી કકન નાથા રબારીના ઘરે નોટિસ બજાવવા માટે ગયો હતો.

(8:39 pm IST)