Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ.

કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરાયું

મોરબી : ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાનાર છે. જે અન્વયે ૧૫મી ઓક્ટોબરના રોજ મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ બેઠક દરમિયાન કલેક્ટરએ વિવિધ વિભાગની જનકલ્યાણની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવાના થતા લાભોનો ચિતાર મેળવી વધુને વધુ લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. વધુમાં અત્યારથી જ યોગ્ય સર્વે કરી કોઈ લાભાર્થી આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેવી તકેદારી રાખવા સંલગ્ન વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત અગાઉ જેમને લાભ ન મળ્યો હોય તેવા લાભથી વંચિત લાભાર્થીઓને જ પસંદ કરવામાં આવે તેવી તાકીદ તેમણે કરી હતી.
 ગરીબ કલ્યાણ મેળા અન્વયે મોરબી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ૧૫મી ઓક્ટોબરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજનાર છે જેમાં વિવિધ જનસુખાકારીની યોજનાઓના લાભાર્થીઓને વધુને વધુ યોજનાઓનો લાભ મળે તેવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેક્ટર એન. કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને વિવિધ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:54 am IST)