Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ હટાવ કામગીરીની પ્રશંસા કરતાં શારદા મઠના જગદગુરૂ શંકરાચાર્યજી

સમગ્ર દેશમાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ હોય તે દૂર થવો જોઇએ તેમ જણાવ્યું

અમદાવાદ : ઓપરેશન ક્લીન અપ દ્વારા બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરી સતત છ દિવસ ચાલી રહી છે. લોકોના એક બાદ ગેરકાયેદસર ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જેમાં ધાર્મિક સ્થળોથી લઈને લોકોના ઘરોના દબાણ પણ દૂર કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બેટ દ્વારકામાં અત્યાર સુધી બે લાખ ચાલીસ હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન પરના ગેરકાયદેસરના દબાણો તોડી પડવામાં આવેલા છે. જ્યારે હજુ પણ આ કાર્યવાહી સતત ચાલી રહી છે.

ત્યારે હવે આ મામલે શારદા મઠના જગદગુરૂ શંકરાચાર્યજીનું નિવેદન સામે આવ્યું છે. બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીની પ્રશંસા કરતાં સરકારની આ કામગીરીને વખાણી હતી. મિડીયા સાથે વાત કરતા શારદા મઠના જગદગુરૂ શંકરાચાર્યજી જણાવ્યું હતુ કે ભાજપ સરકારે દ્વારકામાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. બેટ દ્વારકામાંથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા તેનું અમે સમર્થન કરીએ છીએ. સમગ્ર દેશમાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ હોય તે દૂર થવો જોઇએ તેમ જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

(7:13 pm IST)