Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

હર્ષદ રિબડીયાના ભાજપ પ્રવેશના પગલે ‘‘કહી ખુશી કહી ગમ'' જેવો માહોલ : ભાજપમાં ચોક્કસ જુથમાં આંતરિક અસંતોષની ચારેકોર ચર્ચા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૭:: વિસાવદર-ભેસાણ વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે રાજીનામુ આપી ગઈકાલે કમલમ ખાતે વિધિવત  ભાજપમા જોડાયેલા હર્ષદભાઇ રિબડીયાના ભાજપ-પ્રવેશના પગલે ‘કહીં ખુશી કહીં ગમ' જેવો માહોલ સર્જાયાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે.ભાજપના ચોક્કસ જુથમા આંતરિક અસંતોષ પ્રવર્તતો હોવાની રાજકીય વર્તુળોમા ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે.

જન્‍મજાત કોંગ્રેસી પરિવારમાથી આવતા અને હંમેશા ભાજપ સામે જ રાજકીય લડાઈ કરનારા હર્ષદભાઇ રિબડીયા કોંગ્રેસમાથી રાજીનામુ આપી ભાજપમા પ્રવેશે અને સીધી જ ધારાસભાની ટીકીટ અર્પણ કરી દેવાની વાત ભાજપના ચોક્કસ વર્તુળોને કોઈકાળે હજમ થઈ ન રહી હોવાનુ છેડેચોક બોલાઇ રહ્યુ છે.

હર્ષદ રિબડીયાના સંભવિત ભાજપ પ્રવેશ પૂર્વે પણ મીટીંગો યોજાઇ હતી અને હજુ પણ આવી બેઠકોનો ધમધમાટ ચાલુ હોવાનુ સાર્વત્રિક બોલાઇ રહ્યુ છે.

ભાજપ માટે દિ'રાત એક કરનારા અગ્રેસરો વિરોધપક્ષના આગેવાનને સીધા જ નેતા તરીકે કઈ રીતે સ્‍વિકારે..? એવો આંતરિક ગણગણાટ શરૂ થયો છે.

દરમિયાન છેલ્લા બે દિવસથી હર્ષદ રિબડીયાના ભાજપ પ્રવેશના પગલે સોશિયલ મીડીયામા તરફેણ અને વિરૂદ્ધની પોસ્‍ટ-કોમેન્‍ટ્‍સનો વોર ફાટી નીકળ્‍યો છે.

દરમિયાન એવુ પણ બોલાઇ રહ્યુ છે કે,કોઈકાળે હર્ષદ રિબડીયાને ધારાસભાની ટીકીટ ન મળે તે માટે લેટરહેડ ઉઘરાવાઈ રહ્યાનુ અને આવેતુને ટિકિટ અપાશે તો પાર્ટીએ સીટ ગુમાવવાનો વારો આવશે તેવુ મોવડી મંડળ સમક્ષ ચિત્ર ખડુ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યાની વ્‍યાપક ચર્ચાઓ છે.

રાજકીય વિશ્‍લેષકો ભાજપના આ આંતરિક મામલે ગંભીર આકલન કરી રહ્યા છે,તેઓના મતે ભાજપમા કહેવાતી આંતરિક અસંતોષની જવાળા વચ્‍ચે બાહ્ય રીતે ‘સબ સલામત'નો માહોલ દર્શાવાઇ રહ્યો છે ત્‍યારે આગામી દિવસોમા આ મામલો વધુ ઘેરો બને છે કે,આખરે ઘીના ઠામમા ઘી પડી જાય છે એ તરફ સૌની મીટ મંડાઈ છે.

ભાજપમા આંતરિક અસંતોષની વાતો વચ્‍ચે વીતેલા વખતની રાજકીય ઘટનાની ચર્ચાઓએ પણ વેગ પકડયો છે. વિસાવદર-ભેસાણની બેઠક પર ૨૦૧૪માં કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલને પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો હતો...કયાંક ૨૦૨૨માં પણ ભરત પટેલ વાળી તો નહી થાય ને..? તેવી ચારેકોર ચોંકાવનારી ચર્ચાઓએ જોર પકડયુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,૧૯૯૫મા કેશુભાઇ પટેલના આગમન સાથે જ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર ભાજપનો ગઢ બની ચૂકયો હતો..કેશુભાઇ પટેલ વિસાવદર-ભેસાણની બેઠક પર ૧૯૯૫મા ૨૯૫૪૫ની લીડથી, ૧૯૯૮માં ૩૭૭૨૦ની લીડથી અને ૨૦૧૨મા ૪૨૧૮૬ની લીડથી જીત્‍યા હતા અને બબ્‍બે વખત મુખ્‍યમંત્રી બન્‍યા હતા..૧૯૯૫થી વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની કેશુભાઇ પટેલના ગઢ તરીકે ગણતરી થવા લાગી હતી...પરંતુ આર્યજનક રીતે ૨૦૧૪મા કેશુભાઇના સુપુત્ર ભરતભાઈ પટેલે આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી જંગમા ઝુકાવતા તેમને પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો હતો..એ વખતે ભાજપની આંતરિક બાબતોની અનેકવિધ ચર્ચાઓ રાજકીય વર્તુળોમા સતત થતી રહી હતી...હવે હર્ષદભાઇ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડે તો ૨૦૧૪મા ભરત પટેલની હાલત થઈ હતી તેનુ કયાંક ૨૦૨૨માં તો પુનરાવર્તન નહી થાય ને..? તેવી ચોંકાવનારી ચર્ચાઓએ સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમા જોર પકડયું છે...જો કે,હર્ષદભાઈ સત્તાવાર રીતે ભાજપમા જોડાયા છે ત્‍યારે હવે  પછી મુળ ભાજપના આ વિસ્‍તારના નેતાઓ-આગેવાનો-કાર્યકરોનુ વલણ કેવુ રહે છે એ તરફ સૌની મીટ મંડાઈ છે.

દરમિયાન ભાજપના અગ્રેસરો હર્ષદ રિબડીયાના ભાજપ પ્રવેશ પગલે કોઈ  જ આંતરિક અસંતોષ હોવાની વાતોને સ્‍પષ્ટ શબ્‍દોમા નકારી રહ્યા છે અને ભાજપ વિચારધારાની પાર્ટી છે અને વિચારધારાથી કોઈપણ ભાજપ પક્ષમા આવે તો તેને પારાવારિક દ્રષ્ટીએ જ સ્‍વિકારવામા આવે છે તેમ જણાવાઇ રહ્યુ છે.

(2:09 pm IST)