Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબી દિવ્યાંગ બાળકના ઘેર જઇ આધારકાર્ડ અપગ્રેડ કરાયું

મોરબી તાલુકા મામલતદારનું માનવતા ભર્યું સરાહનીય કાર્ય

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭ :  ગુજરાત સરકાર દ્વારા જનસુવિધા માટે વખતો વખત સેવા સેતુ કાર્યક્રમ કરવામા આવે છે પરંતુ આ સેવા સેતુના કાર્યક્રમો માત્ર દેખાડા જેવા હોય છે અને લોકોના કામ થતા હોતા નથી ત્યારે આજે મોરબી તાલુકા મામલતદારે ખરાઅર્થમા સેવા બજાવી દિવ્યાંગ બાળકને ઘેર ટીમ મોકલી આધારકાર્ડ અપગ્રેડ કરાવી આપ્યું હતું.

 મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ સોલંકીના છ વર્ષની ઉંમરના દિવ્યાંગ પુત્ર ધ્રુવભાઈને પોતાના આધારકાર્ડમાં બાયોમેટ્રિક અપગ્રેડેશન કરાવવાનું હતું. પરંતુ બાળક દિવ્યાંગ હોવાથી તેઓને લઈને લાલબાગ ખાતેની મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતે આવવાની શારીરિક સ્થિતિમાં ન હોય તેમના દ્વારા હેલ્પ લાઇન પર મદદ માંગવામાં આવી હતી.

 જેને પગલે મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતાએ તાત્કાલિક આધાર કાર્ડની કીટ સુપરવાઇઝર સાથે તેઓના ઘરે મોકલી આપી તેઓના બાયોમેટ્રીક અપગ્રેડેશનની કામગીરી કરી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવે સરકારી સહાય માટે આધાર બેઈઝ પેમેન્ટ થતા હોવાથી આધારકાર્ડ અપગ્રેડેશન ખૂબ જરૃરી હોય શારીરિક અશકતતા ધરાવતા નાગરિકો માટેની સરકાર તમારે દ્વાર જેવી આ સેવા ખૂબ જ ઉપયોગી થઇ રહી છે. આજની આ માનવતાલક્ષી કામગીરી અંગે મામલતદાર નિખિલ મહેતાએ અન્ય નાગરિકોને પણ આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સરકાર તમારા દ્વારે સેવા કાર્યને પગલે દિવ્યાંગ ધ્રુવના માતાપિતાએ વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી -ગટ કરી હતી.

(1:56 pm IST)