Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભાવનગર પાસે ટ્રેલર ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં વાળુકડની યુવતીનું મોત

ભાવનગર તા.૭ : સીદસર ગામ પાસે ટ્રેલર ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં વાળુકડ ગામની યુવતીનું મોત નીપજ્‍યું હતું ,જ્‍યારે બાઈકના ચાલકને ઇજા થઇ હતી.

વિગતો મુજબ ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં રહેતા આકાશભાઈ ધરમશીભાઈ ઝંડારીયા તેમના બહેન અસ્‍મિતાબેન (ઉ.વ.૨૯) ને લઈને બાઇક નં. જી.જે.૦૪ ડી.પી.૧૬૦૨ લઈને ભાવનગર આવી રહ્યા હતા ત્‍યારે સીદસર ગામના બાયપાસ રોડ પર પાછળથી આવી રહેલા ટ્રેલર ટ્રક નં. જી.જે.૧૨ બી.વી. ૭૪૧૧ એ બાઇકને ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલા અસ્‍મિતાબેનનું ઘટના સ્‍થળે મોત નીપજ્‍યું હતું,જ્‍યારે આકાશભાઈને સામાન્‍ય ઇજાઓ થઈ હતી.

આ બનાવ અંગે આકાશભાઈએ ટ્રેલર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

 લેન્‍ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ

 વિજયરાજનગર, પ્‍લોટ નં.૨૮ માં રહેતા અને જમીન લે-વેચનો વ્‍યવસાય કરતા અર્ચિતભાઈ તુલસીભાઈ પટેલે નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમણે નરેન્‍દ્રસિંહ જીલુભા ગોહિલ પાસેથી કાળીયાબીડ વિસ્‍તારમાં મોજે વડવા સર્વે નંબર ૪૭૧ / ૧,૨,૩ ના પ્‍લોટ નંબર ૫૮૩૭થી ૫૮૪૧ ના ખાલી પ્‍લોટ ખરીદેલો હોય અને નરેન્‍દ્રસિંહ જીલુભા ગોહિલ દ્વારા દસ્‍તાવેજ પણ કરી આપવામાં આવેલ હતો.

આ પાંચ ખુલ્લા પ્‍લોટ પર છેલ્લા સાત વર્ષથી જેઠાભાઈ મેપાભાઇ ચાવડાએ કાચું બાંધકામ કરી, છાપરા બાંધી પચાવી પાડેલ હોય પ્‍લોટ ખાલી કરવા બાબતે અર્ચિતભાઈ દ્વારા વારંવાર કહેવા છતા જેઠાભાઇ દ્વારા આ પ્‍લોટનો કબજો જાળવી રાખેલ છે.

નિલમબાગ પોલીસે અર્ચિતભાઈની ફરિયાદ લઈ જેઠાભાઈ મેપાભાઇ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:35 pm IST)