Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણની મેઇન બજારમાં સામાન ભરેલી છકડો રીક્ષા ઝાડ થઇ ગઇ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા. ૭ : જસદણ શહેરની મેઈન બજારમાં મોટા વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં અનેક વાહન ચાલકો પોતાના મસમોટા વાહનો મનફાવે ત્યાં ર્પાકિંગ કરી જતા રહેતા હોવાથી અને સતત વાહનો મેઈન બજારમાં દોડાવતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે. કારણ કે જસદણની મેઈન બજારમાં મોટા વાહનો માટે પ્રવેશબંધી છે. છતાં એક સામાન ભરેલી છકડો રીક્ષા મેઈન બજારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે તે રીક્ષાના ડ્રાઈવરે બેદરકારી દાખવતા અચાનક રીક્ષા ઝાડ થઈ જતા રીક્ષામાં ભરેલો સામાન રોડ પર ઢોળાઈ ગઈ હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ રીક્ષા મેઈન બજારમાં જ ઝાડ થઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

જસદણ શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા ફાટીને ધુમાડે ગઈ છે. ખાસ કરીને જસદણની મેઈન બજારમાં ૧૦૫ જેટલા ગામોના લોકો હટાણું કરવા માટે આવે છે. પરંતુ  મેઈન બજારમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને મેઈન બજારમાંથી પસાર થવામાં સતત અકસ્માતનો ભય રહે છે. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

જસદણ પોલીસ મથકમાં જ્યારે પણ  લોક દરબાર યોજવામાં આવે છે. ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા મેઈન બજારની ટ્રાફિક સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. સમસ્યા જેમની તેમ જ રહે છે. જો કે હવે શહેરીજનો પણ ટ્રાફિક પ્રશ્ને કંઈ કહેવા કરતા મૂંગા બેસવાનું વધારે પસંદ કરે છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ટ્રાફિક પ્રશ્ને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

(11:42 am IST)