Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મુંદ્રાના મુક સેવક દ્વારા મોરબીના સેવાભાવી મહિલાને એમ્બ્યુલન્સ અર્પણ

માનવ સેવાને બિરદાવીને મુક સેવકે રોકડ પુરસ્કાર આપવાનું કહેતા મહિલાએ દર્દીઓની સેવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન માનવ સેવાનું ઉમદા કાર્ય કરનાર સેવાભાવી મહિલાને કચ્છ-મુન્દ્રાના એક મુક સેવેકે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. જો કે આ વ્યક્તિએ સેવાભાવી મહિલાને તેમની સેવા બદલ રોકડ પુરસ્કાર આપવાનું કહ્યું હતું. પણ તેનો મહિલાએ ઇનકાર કરીને ગરીબ દર્દીઓની સેવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરતા મુન્દ્રાના એ વ્યક્તિએ તેમની આ ઈચ્છા પૂરી કરી હતી.

 મોરબી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ગરીબ દર્દીઓની સેવા કરતા હસીનાબેને કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહોની અંતિમવિધિ માટે ઉમદા માનવ સેવા કરી હતી. અને આ અંગેના વીડિયો ન્યુઝ મોરબી અપડેટ દ્વારા પ્રસારિત થયા હતા. આ વીડિયો ન્યુઝ કચ્છ મુન્દ્રાના એક વ્યક્તિએ જોઈને મોરબીના સેવાભાવી મહિલાની માનવ સેવાથી પ્રભાવિત થયા હતા અને તે વ્યક્તિએ હસીનાબેનને મુન્દ્રા બોલાવી તેમનું સન્માન પણ કર્યું હતું. સાથોસાથ આ વ્યક્તિએ હસીનાબેનને રોકડ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હતું. પણ હસીનાબેને રોકડ રકમ ન સ્વીકારી અને તેના બદલામાં મોટી મૃતદેહ લઇ જવાની એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. આથી તે વ્યક્તિએ આ માગણી સહર્ષ સ્વીકારી ચાર મૃતહેદ લઈ જઈ શકાય તેવી એમ્બ્યુલન્સ હસીનાબેનને સેવા માટે ભેટ આપી છે.

(1:39 pm IST)