Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વિસાવદરને જોડતી 'અમરેલી -વેરાવળ' આવ-જા બે મીટરગેજ ટ્રેનનો શ્રાવણ માસ પૂરતો સોમવારથી શુભારંભ : 'જૂનાગઢ -વિસાવદર' ટ્રેન શરૂ થવાના હજુ કોઇ જ અણસાર નથી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૭ : રેલ્વે તંત્રની સરેઆમ ઉપેક્ષા અનુભવતા વિસાવદર પંથકને માત્ર શ્રાવણ માસ પૂરતી જ 'અમરેલી-વેરાવળ' રૂટ પર આવ-જા માટેની બે મીટરગેજ ટ્રેનોની સુવિધા સોમવારથી પ્રાપ્ત થઈ રહી હોવાના સમાચારો સાંપડે છે પરંતુ ટ્રાફિકથી ધમધમતા 'જૂનાગઢ-વિસાવદર'ની મીટરગેજ ટ્રેન શરૂ કરવાની રેલ્વે તંત્ર દ્વારા લેશમાત્ર ચહલપહલ પણ ન દર્શાતા સમગ્ર વિસાવદર પંથકનાં લોકોની અકળામણ વધી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વિસાવદરને જોડતી 'અમરેલી વેરાવળ'ની બે મીટરગેજ ટ્રેનો આગામી તા.૯ સોમવારથી શરૂ થશે.જેમાં 'અમરેલી  થી વેરાવળ' અને 'વેરાવળ થી અમરેલી'નો સમાવેશ થાય છે.અમરેલીથી સવારે ૬.૧૫ ઉપડશે અને વેરાવળ ૧૧.૧૫ વાગે પહોંચશે. વેરાવળ થી સાંજે ૩.૨૫ ઉપડશે અને રાત્રે ૮ વાગે અમરેલી પહોંચશે.જો કે,નવી શરૂ થનાર આ ટ્રેનો શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ માત્ર એક માસ પૂરતી જ શરૂ કરાઈ રહી છે.ટ્રાફીક મળ્યે રેગ્યુલરની સંભાવના વ્યકત કરાઈ રહી છે.

(1:04 pm IST)