Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રોજગાર દિવસ નિમિત્તે ૭૩૯ યુવાનોને નિમણુંક પત્રો અપાયા

જુનાગઢ અને માણાવદર ખાતે વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા.૭ : પાંચ વર્ષ આપણી સરકારના સુશાસન સપ્તાહ અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં  ૭૩૯ યુવાનોન અને યુવતીઓને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. જૂનાગઢ  ટાઉનહોલ ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને તથા માણાવદર ખાતે ધારાસભ્ય  દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

યુવાનોને નિમણૂંક પત્ર  વિતરણ કરી આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, અમે જે કહીએ છીએ, વચન આપીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ.ગુજરાતમાં આજે  ૬૦ હજારથી થી વધુ યુવાનો અને જૂનાગઢમાં ૭૩૯ જેટલા યુવાનોને આજે રોજગારી મળશે. રોજગારી પ્રાપ્ત કુટુંબો માટે આ ખૂબ આનંદનો દિવસ છે.

આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્ય સરકારની શ્રમ રોજગાર , આરોગ્ય, વિજ ક્ષેત્ર, કૃષિ વિષયક સહિત સર્વાંગી ક્ષેત્રે અવિરત વિકાસયાત્રાની વિગતો આપતા કહ્યું કે, અમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે થયેલ વિકાસનો હિસાબ આપવા આવ્યા છીએ. ૨ વર્ષ કોરોનાકાળ હોવા છતાં વિકાસ અટક્યો નથી તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, અમે યુવાનો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ દરેક સમાજ દરેક વર્ગના વિકાસ માટે પ્રતિબધ્ધ છીએ.

મેયર ધીરૂભાઇ ગોહેલે નિમણૂંક પત્ર મેળવનાર યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઉપરાંત ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, અગ્રણીશ્રી પુનીતભાઇ શર્મા, જયોતિબેન વાછાણી,શૈલેષભાઇ દવે, જિલ્લા કલેકટર રચિત રાજ, મ્યૂ. કમિ'રશ્રી આર.એમ. તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ સહિતના મહાનુભવોના હસ્તે યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં રોજગાર દિવસ નિમિત્તે શિક્ષણ વિભાગમાં ૨૧, કૃષિ સહકાર વિભાગ ૩, નાણા વિભાગ ૧, ઉદ્યોગ વિભાગ ૧, મહાનગરપાલીકા ૪૦, કૃષિ યૂનિ. ૩૦, આઇ.ટી.આઇમાં નિમણૂંક માટે પસંદ થયેલ ૫, એપ્રેન્ટીશીપ ૧૫૦ તેમજ રોજગાર કમીટી દ્વારા ઓનલાઇન ભરતી મેળામાં પસંદગી પામેલા ૩૫૦ અને ૧૪૦ જેટલા સ્ટાફ નર્સને  રોજગાર નિમણૂંક પત્ર અપાયા હતા.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રોજગાર અધીકારી પ્રજાપતીએ સ્વાગત પ્રવચન, આઇટીઆઇના પ્રીન્સીપાલશ્રી ભાટીએ આભારવીધી અને હારૂનભાઇ વિહળે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.

(1:03 pm IST)