Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

હું મારી બિમારી અને દવાથી કંટાળી પગલું ભરૂ છું

વાડીનારના કેપીટીના કર્મચારી જાડેજાનો સિંહણ ડેમમાં આપઘાત

ખંભાળીયા, તા., ૭: હું મારી બિમારી અને દવાથી કંટાળી મારી રીતે પગલું ભરૂ છું, મારા પરીવાર કે અન્ય કોઇનો વાંક નથી આથી તેમને કોઇ હેરાન ન કરતા સ્યુસાઇડ નોટમાં લખી વાડીનાર કેપીટીના કર્મચારીએ સિંહણ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા આજે તેમનું બાઇક અને મૃતદેહ મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ વાડીનારમાં કેપીટી(કંડલા પોર્ટ)માં ફરજ બજાવતા અભેસંગ જેઠુભા જાડેજા (ઉ.વ.પપ)ના ક્ષત્રીય આધેડની મોટર સાઇકલ આરાધના ધામ પાસે આવેલા સિંહણ ડેમ પાસેથી મળી આવતા વાડીનાર પોલીસને જાણ કરવામાં આવી હતી. વાડીનાર પોલીસ મથકના પીએસઆઇ ઠાકરીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાઇકમાં ચાવી મળી હતી અને તેમાં રાખેલી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે હું મારી બીમારી અને દવાથી કંટાળી પગલુ ભરૂ છું, મારા પરીવાર કે અન્ય કોઇનો કાંઇ વાંક નથી આથી તેમને હેરાન ન કરતા સહીતનો ઉલ્લેખ કરી નીચે નામ લખ્યું હતુ જેના આધારે પોલીસે ફાયરની મદદથી ડેમમાં તપાસ હાથ ધરતા એક મૃતદેહ મળી આવ્યો હતો. જે વાડીનારમાં રહેતા અભેસંગ જાડેજાનો હોવાની જાણ થતા તેમના પરીવારજનોને જાણ કરવામાં આવી હતી. પરીવારજનોએ કહયું હતું કે તેઓ ગઇકાલે સાંજથી ઘરેથી નિકળી ગયા હતા અને તેમનો ફોન પણ બંધ આવતો હતો અમે તેમની શોધખોળ પણ કરી રહયા હતા. બનાવ સ્થળની હદ ખંભાળીયા પોલીસમાં આવતી હોવાથી મૃતદેહને ખંભાળીયા હોસ્પીટલ ખાતે ખસેડી વધુ તપાસ ખંભાળીયા પોલીસે હાથ ધરી છે.

(1:02 pm IST)