Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી-વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશનની બેઠકઃ ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાળ સજ્જડ બનાવવા નિર્ણય

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૭: મોરબી 'જિસકા માલ ઉસકા હમાલ'સિસ્ટમ મામલે ગઇકાલે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઓફિસ ખાતે મોરબી અને વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સંયુકત મિટિંગ મળી હતી. જેમાં અમુક ટ્રાન્સપોર્ટરો એસોસિએશનના આદેશને અવગણી ગાડીઓ લોડિંગ કરતા હોય તેમને ગંભીર ચેતવણી આપી આવતીકાલથી એકપણ ગાડી નહીં ભરવા નક્કી થયું હતું. ઉપરાંત આજથી હાઇવે ઉપર ચેકીંગ કરી લોડિંગ ગાડીઓના ચાલકને ફૂલ આપી ગાંધીગીરી કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

ગઇકાલે મળેલી બેઠકમાં મોરબી અને વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી મોરબી જિલ્લાના દરેક રોડ પર ઉભા રહી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે કોઈપણ ટ્રક લોડ કરી જશે તેને ફૂલ આપી ગાંધીચિંધ્યા માર્ગે સમજ આપવામાં આવશે કે આ લડતમાં સાથ સહકાર આપે અને ગાડીઓનું લોડિંગ બંધ રાખે. તેમજ જે ગાડીઓને જે ટ્રાન્સપોર્ટરો દ્વારા ભરાવવામાં આવી હશે તેમને પણ સમજ આપવામાં આવશે કે આ લડતમા સાથ સહકાર આપે.

વધુમાં ગઈકાલે જે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટરો દ્વારા ગાડીઓ લોડિંગમાં મોકલાવેલ તે ટ્રાન્સપોર્ટરોને વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ સદ્દામભાઈ દ્વારા સમજાવી હવેથી લોડિંગ બંધ રાખવા જણાવેલ. જેમાં મહારાષ્ટ્રના બધા ટ્રાન્સપોર્ટરોએ તેમને સાથ સહકાર આપી આજથી મહારાષ્ટ્ર લાઈનનું લોડિંગ સંપૂર્ણપણે બંધ કરી સહકાર આપવાની ખાત્રી આપેલ હોવાનું પણ જાહેર કર્યું હતું.

મિટિંગના અંતે બન્ને સંગઠનો દ્વારા મોરબી તેમજ વાંકાનેરમાં આજથી લોડિંગ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જયાં સુધી જિસકા માલ ઉસકા હમાલનો નિર્ણય ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું મોરબી વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર અને સદામભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે.

(12:57 pm IST)