Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નાનીવાવડી ગામે કરોડોની જમીન માત્ર ૩ હજારમાં ગીરવે લઇ પચાવી પાડી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબી તાલુકાના નાની વાવડી ગામે હાલ કરોડોની કિંમતી ગણાતી જમીન વર્ષો પહેલા જમીનના મૂળ માલીકે એક શખ્સને રૂ.૩ હજારમાં ગીરવે આપી હતી.પણ આ શખ્સે ગીરવે મળેલી જમીનને સમય મર્યાદામાં પરત સોંપવાને બદલે ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો.આથી જમીનના મૂળ માલીકે આ શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઇ અમૃતલાલ આશર (ઉ.વ. ૪૮) એ ગઇકાલે આરોપી દેવજીભાઇ જશમતભાઇ પડસુંબિયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર વિધેયક ૨૦૨૦ ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની વડીલોપાર્જીત મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ સર્વે નં. ૪૮૮ વાળી આશરે ૮ વિઘા જમીન પોતાના દાદા મગનલાલ ભાણજીભાઇ આસરએ આરોપીના પિતા જશમતભાઇ મોતીભાઇ પડસુંબીયાને રૂ. ૩૦૦૦ સામે સને-૧૯૭૭ માં ગીરવે આપી હતી અને ત્યારથી જ આ જમીનનો કબ્જો તેઓની પાસે હોય અને બાદ હાલે આ જમીન આરોપી પાસે હોય જેઓને ફરીયાદીએ જમીન ગીરવેમાંથી છોડાવવા કહેતા પરત આપેલ ન હોય અને અનઅધિકૃત રીતે કબ્જો કરીને આ જમીન પચાવી પાડી હતી.

અંતે જમીનના મૂળ માલીકે કરોડો રૂપિયાની કિંમતી ગણાતી વડીલોપાર્જિત જમીન પરત મેળવવા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)