Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વાદળા વિખેરાતા સૌરાષ્ટ્ર - કચ્છમાં ચિંતાના વાદળા છવાયા

આજે સવારથી વાતાવરણમાં પલ્ટો : પવન સાથે સામાન્ય આછા વાદળા : બફારો વધ્યો

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળા વિખેરાતા ચિંતાના વાદળા છવાયા છે. આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

પવન સાથે આજે સામાન્ય આછા વાદળા છવાયા છે અને બફારાનું પ્રમાણ વધ્યું છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને વાવણી બાદ સાર્વત્રિક વરસાદ ન થતાં પાક નિષ્ફળ જવાની ભીતી છે.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા વડિયામાં કોઈ ખાસ ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો ના હોવાથી મોટાભાગની વસ્તી ખેતી પર આધારિત છે. આ વિસ્તાર ના લોકોનો મુખ્ય વ્યવસાય અને રોજગારીનો આધાર ખેતી છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા સામાન્ય વરસાદથી આ વિસ્તાર માં વાવણી થઇ હતી. અને ખેડૂતો એ મબલખ ઉત્પાદનની આશાએ કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોની વાવણી કરી હતી. બાદ અપેક્ષા મુજબ સારો વરસાદ ના થતા ખેડૂતોએ સિંચાઈના અન્ય સ્તોત્ર માંથી પોતાના પાકને બચાવવા માટે પાણી આપ્યું હતુ. હાલ વડિયા વિસ્તારના પાણીના તડમાંથી પાણી ખેંચાતા અને ડેમમાં પણ પાણી ખાલી થતા પાણીના તડ ખુબ નીચા જવા પામ્યા છે. ત્યારે ફરી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક હાલ ખેતરોમાં મુરજાતો જોવા મળી રહ્યો છે. તરસ્યો માણસ જેમ પાણી માટે તડફતો હોય તેમ આજે ખેતીના પાકની દશા છે. ત્યારે જો ટૂંકા ગાળામાં વરસાદ ના આવે તો આ વિસ્તારમાં ચાલુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ હાલ ડુંગળીના વાવેતરનો સમય હોય તેમાં પણ મોટો ઘટાડો નોંધાઈ તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૨.૮ મહત્તમ, ૨૫.૫ લઘુત્તમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:48 am IST)