Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પૂનમને દિવસે ગૂમ થયેલી પૂનમ ગઇકાલે બગદાણાથી મળીઃ પતિએ ઠપકો આપતાં જાતે પડખામાં છરી ભોંકી

ગંભીર ઇજા થતાં દરજી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૭: અમરેલી સહજાનંદ નગર-૨માં રહેતી પૂનમબેન દેવેન્દ્ર વાઘેલા (ઉ.૩૩) નામની દરજી મહિલા ગત પૂનમના દિવસે સાત વર્ષના પુત્રને લઇને ઘરે કહ્યા વગર નીકળી જતાં પતિએ ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન તે આટલા દિવસ બગદાણામાં હોવાની જાણ થતાં અને ગઇકાલે પુત્રએ ફોન કરતાં બંનેને પરત ઘરે લાવવામાં આવ્યા હતાં. પતિએ પૂનમબેનને આ રીતે કહ્યા વગર ન જતું રહેવાય તેમ કહી સમજાવી ઠપકો આપતાં માઠુ લાગતાં તેણે પોતાની જાતે પડખામાં છરીના ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. જાણવા મળ્યા મુજબ પૂનમેબેન ગઇકાલે બપોરે તે ઘરે એકલી હતી ત્યારે પોતાની જાતે પડખામાં છરીના ઘા મારી દીધા હતાં. પતિ બહારથી આવતાં તેણીને લોહીલુહાણ જોતાં તુરત જ અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડતાં ચોકીના સ્ટાફે એમરેલી પોલીસને જાણ કરી હતી.

પતિ દેવેન્દ્રભાઇ વાઘેલા શિતલ આઇસ્ક્રીમમાં કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. દેવેન્દ્રભાઇએ કહ્યું હતું કે પત્નિ પૂનમ ગત પૂનમના દિવસે ઘરેથી સાત વર્ષના દિકરાને લઇને નીકળી ગઇ હતી. અતોપતો ન મળતાં મેં પોલીસને જાણ કરી હતી. એ પછી તે ગઇકાલે બગદાણાથી મળી આવતાં અમે તેને ઘરે લાવ્યા હતાં.  ત્યારબાદ મેં તેને થોડો ઠપકો આપતાં તેણે છરીના ઘા મારી લીધા હતાં. પોલીસે તપાસ યથાતવ રાખી છે.

(11:39 am IST)