Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી સાર્વજનિક જમીનનો બારોબાર સોદો કરનાર બે સામે લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

મોરબીના સામાકાંઠે બૌદ્ધનગરમાં કિંમતી સાર્વજનિક જમીનનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી

 મોરબીમાં સાર્વજનિક જમીનનો બારોબાર સોદો કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે બૌદ્ધનગરમાં આવેલ સાર્વજનિક જગ્યાની કિંમતી સાર્વજનિક જમીનનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલતદારની ફરિયાદ પરથી બે શખ્સો સામે સાર્વજનિક જગ્યાનું વેચાણ કરવા સબબ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ આરોપીઓ અશોકભાઇ બાબુભાઇ કુરીયા, હુસેનભાઇ મુસાભાઇ પઠાણ (રહે. ભડીયાદ,મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ અવરલ બૌધ્ધનગર વિસ્તારના રસ્તા પરની સાર્વજનીક જગ્યાનું આ બન્ને આરોપીઓ વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં આરોપીઓએ બોધ્ધનગર સાર્વજનીક જગ્યા હોય તે જગ્યા ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.
આથી મામલતદારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -૨૦૨૦ ની કલમ ઉપર મુજબ ગુનો કર્યાની બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ગુનો રજી કરી FIRની પ્રત મોરબી કોર્ટ તરફ મોકલવા તજવીજ કરી આ કામની આગળની તપાસ SC/ST સેલના પો.અધિ. હર્ષ ઉપધ્યાયને સોંપતા તેમણે આ અંગે તપાસ હાથ ધરી છે.

(9:17 am IST)